યોગ્ય વીજ વળતરની માંગ સાથે ખેડૂતોના આંદોલન વચ્ચે દુઃખદ ઘટનાથી પંથકમાં શોકનું મોજું
મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ભાગે ખેતી કરીને જીવન નિર્વાહ કરતા મૂળ દાહોદ જિલ્લાના એક યુવકે કપાસના પાકમાંથી અપેક્ષિત પરિણામ નહીં મળે તેવી ચિંતામાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી જેતપર ગામમાં વીજ લાઇનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ દુઃખદ બનાવ બનતાં ખેડૂતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને ખેડૂત જયેશભાઈ અમરશીભાઈ અઘારાની માલિકીની વાડી ભાગે વાવવા રાખનાર મૂળ દાહોદ જિલ્લાના નયનભાઈ માનસિંગભાઈ મોહનિયાએ ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર કર્યું હતું. ચોમાસાની શરૂઆતમાં વરસાદ મોડો પડતાં પાકના પ્રારંભિક વિકાસને અસર પહોંચી હતી. ત્યારબાદ વરસાદની સ્થિતિ સુધરી હોવા છતાં શરૂઆતમાં થયેલી અસરના કારણે પાક અંગે સતત ચિંતા રહેતી હતી. આ જ ચિંતામાં તેમણે પોતાની વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર મામલે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ખેતીવાડી સમાજને પણ વ્યથિત કરી દીધો છે. ચોમાસાની શરૂઆતમાં સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિ, પાકને લઈને વધતી અનિશ્ચિતતા અને ખેતી સાથે જોડાયેલા આર્થિક દબાણ વચ્ચે એક યુવાને જીવન ગુમાવતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. બીજી તરફ, જેતપરમાં યોગ્ય વીજ વળતરની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી લડી રહ્યા છે, ત્યારે આ ઘટના ખેતી સાથે સંકળાયેલા પ્રશ્નો અને ખેડૂતોની માનસિક સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા કરી રહી છે.