હળવદમાં અને માળીયા (મી.)માં વિચરતી અને ડીનોટિફાઇડ સમુદાયના ઘરોના તેમજ નાના ધંધાર્થીઓની દુકાનો અન્યાયી તોડી પાડવાની કાર્યવાહી તાત્કાલિક રોકવા અને પુનર્વસન માટે તેમજ જિલ્લામાં ડીમોલેશન કમિટીની રચના કરવા માટે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે.
માળીયા (મી.) માર્કેટ વિસ્તારમાં ચીફ ઓફિસર નગરપાલિકા તંત્ર અને મામલતદાર દ્વારા ગરીબ અને લઘુમતી સમુદાયના 44 દુકાનો તોડી પાડવામાં આવી છે. જેમાં મોટે ભાગે છૂટક વેપારીઓ, શાકભાજી અને માછલી વેચનાર તેમજ નાની રોજગાર યુનિટોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા નાના વેપારીઓની દુકાનો, સ્ટોલ, અને વ્યવસાય સ્થાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
તેમજ હળવદમાં જિન વિસ્તારમાં લોકોને સિટી સર્વે સુપ્રીટેન્ડ કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ત્યાં રહેતા શિક્ષણથી વંચિત અને કાયદાની જાણ બહારના લોકો પાસે સહી કરાવી નોટિસ બજાવેલી હતી. જેમાં તા. 20 માર્ચ 2025ના રોજ આ વિસ્તારના રહીશોને રહેણાંક વિસ્તાર ખાલી કરવા જણાવેલ હતું. જેમાં યોગ્ય પ્રક્રિયા વિના અથવા વૈકલ્પિક વ્યવસ્થા વિના જિન વિસ્તાર હળવદમાં બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પડવાની ઝુંબેશ હાથ ધરવાની સૂચના આપી ગયેલ છે.
ત્યારે હળવદમાં આ ડીમોલેશનની કાર્યવાહી તાત્કાલિક રોકવા, અસરગ્રસ્ત પરિવારોનું યોગ્ય પુનર્વસન અને પુનર્વસન તેમના આશ્રય અને સુરક્ષા અધિકારને સુનિશ્ચિત કરવા બળજબરીથી સ્થળાંતર અથવા હિંસા અટકાવવા માટે સમુદાયને પોલીસ સુરક્ષા આપવા, ગેરકાયદેસર વિનાશ માટે જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા તેમજ જેમની દુકાનો તોડી પાડવામાં આવી છે તેમના માટે તાત્કાલિક આજીવિકા ઉભી કરવા, ધંધા - રોજગાર માટે જગ્યાની ફાળવણી કરવા અંગે અખિલ હિન્દ વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિ મહાસંઘ તથા સમસ્ત દેવી પૂજક સમાજ જિન વિસ્તાર હળવદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે.