Monday - Jul 06, 2026

જેતપરમાં આજે ઉપવાસ આંદોલન પૂર્ણ કરાશે પણ કમિંગ સૂન - આંદોલન પાર્ટ 3ની તૈયારી

જેતપરમાં આજે ઉપવાસ આંદોલન પૂર્ણ કરાશે પણ કમિંગ સૂન - આંદોલન પાર્ટ 3ની તૈયારી

ખેડૂત સમિતિની સ્પષ્ટતા, હજી સંઘર્ષ પૂર્ણ થયો ન હોય થોડા સમયમાં જ ફરી પાર્ટ 3 આંદોલનની શરૂઆત કરાશે

મોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નવી માહિતી મુજબ, ખેડૂતોના ઉપવાસ ભલે પૂર્ણ કરવાના હોય, પરંતુ તેમનું આંદોલન હજુ પૂર્ણ થયું નથી. ખેડૂત સમિતિ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે લોકોને લાગે છે કે આંદોલન અહીં પૂરું થઈ ગયું છે અથવા તેઓ હારી ગયા છે, તેમણે એ ખાસ યાદ રાખવું જોઈએ કે માત્ર આંદોલનનો 'પાર્ટ 2' પૂર્ણ થયો છે, ખેડૂતોની હિંમત નહીં.


ખેડૂતો દ્વારા હવે 'આંદોલન પાર્ટ 3'ની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટ 3 વધુ સુવ્યવસ્થિત, વધુ પ્રબળ અને વધુ જનસમર્થન સાથે આવશે. આ દર્શાવે છે કે ખેડૂતોનો સંઘર્ષ હજુ જીવંત છે, તેમનો સંકલ્પ હજુ અડગ છે અને ખેડૂતોનો અવાજ હજુ એટલો જ મજબૂત છે.

આ લડાઈને હક, ન્યાય અને સ્વાભિમાનની લડાઈ ગણાવતા ખેડૂતોએ જણાવ્યું છે કે આ કોઈ એક વ્યક્તિની લડાઈ નથી. તેને આંદોલનનો અંત નહીં, પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત સમજવી જોઈએ. "સંઘર્ષ અટક્યો નથી. માત્ર આગામી પ્રહારની તૈયારી ચાલી રહી છે" તેવા સંદેશ સાથે ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઝૂકશે નહીં અને પોતાના હક લઈને જ રહેશે. 'કમિંગ સૂન - આંદોલન પાર્ટ 3' ના મેસેજ સાથે ખેડૂતોએ આગામી રણનીતિ માટે સૌને તૈયાર રહેવા હાકલ કરી છે.