માત્ર એક ઇંચ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મોરબી : મોરબીમાં ગઈકાલે માત્ર સામાન્ય 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, પરંતુ આટલા નજીવા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવા ચોમાસાના પ્રારંભે જ ધોવાઈ ગયા હોય તેમ ઠેર-ઠેર તલાવડા અને પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ ફાટકથી એલ ઇ કોલેજ તરફ જવાના રસ્તે મસમોટું તલાવડું ભરાઈ ગયું છે. આ ઉપરાંત, એલ ઇ કોલેજથી લઈને નટરાજ ફાટક સુધીનો જે નવો જ રોડ બનાવવામાં આવ્યો છે, ત્યાં યોગ્ય લેવલિંગ ન હોવાના કારણે અથવા તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે રસ્તા પર અનેક જગ્યાએ પાણીના મોટા ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
બીજી તરફ, મોરબીના હાર્દ સમાન ગણાતા ગેસ્ટ હાઉસ રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. ગેસ્ટ હાઉસ રોડ પર બંને બાજુ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે બિલકુલ થતો નથી અને સાઈડમાં પાણી ભરાઈ રહે છે. રસ્તા પર પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક દુકાનદારો અને ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી જ કપરી પરિસ્થિતિ ત્રિકોણ બાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસ નજીક જોવા મળી રહી છે. અહીં પણ રોડની બંને સાઈડ પાણી ભરેલા રહે છે કારણ કે પાણીના નિકાલની કોઈ જ ગોઠવણ કરવામાં આવી નથી. પોસ્ટ ઓફિસે આવતા લોકો ફરજિયાતપણે ગંદા પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બનવું પડે છે. વળી, આ પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતું હોવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ સિવાય શાક માર્કેટની સામે પણ નાનું ખાબોચિયું ભરાઈ ગયું છે.