મોરબીની "મુસ્કાન" ફરી એકવાર અભાવથી પીડિત વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવામાં નિમિત્ત બની
મોરબી : એક નાનકડો સહયોગ પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે એમ છે તે બાબતને મોરબીની મુસ્કાન વેલફર સોસાયટીએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. જેમાં આ માનવતાભરી પહેલ હેઠળ એક જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિને નિઃશુલ્ક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ ટ્રાયસિકલ માત્ર સાધન નહિ પણ દિવ્યાંગ લાભાર્થીને રોજિંદી અવરજવરની રાહત મળવાની સાથે આત્મનિર્ભર જીવન જીવવામાં મદદરૂપ બનશે.
મોરબીની શિક્ષિત મહિલાઓ સંચાલિત અને હર હમેશ સમાજની ખેવના કરી જરૂરીયાતમંદોનો અભાવ દૂર કરી તેમના ચહેરા પર મુસ્કાન લાવતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ફરી એક દિવ્યાંગ વ્યક્તિના સ્વાવલંબી જીવન માટે સહારો બની છે. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના જરૂરિયાતમંદ, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી જરૂરી સહાય પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ટ્રાયસિકલ માત્ર અવરજવરનું સાધન નથી, પરંતુ દિવ્યાંગ વ્યક્તિ માટે આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે.
સંસ્થા દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને આગામી સમયમાં પણ સમાજના સહયોગથી આવા માનવતાલક્ષી કાર્યોને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ'
સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને સન્માનપૂર્વક અને સ્વાભિમાન સાથે જીવન જીવવાની તક મળવી જોઈએ. દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉપયોગી સહાય પહોંચાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો સંસ્થાનો સતત પ્રયાસ રહેશે.