મોરબી : મોરબીના જેતપરમાં ઉપવાસ છાવણીમાં બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત ગત રાત્રે અચાનક લથડી હતી. રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ તેઓ ઉપવાસ છાવણીમાં જ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક અસરથી જેતપરની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબિયત નાજુક હોવાથી તબીબોની સલાહ મુજબ તેઓને પારણા કરાવાયા હોવાનું જાહેર કરાયું છે.
જેતપર હોસ્પિટલના ડૉક્ટરોએ નેહૂલ અમૃતિયાની પ્રાથમિક તપાસ બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને મોરબી લઈ જવાની સલાહ આપતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાત્રે જ તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે નેહુલ અમૃતિયાને ક્રિષ્ના હોસ્પિટલના ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી
ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટરો અને રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઉપવાસના કારણે નેહુલ અમૃતિયાની કિડની અને લીવર પર સોજા આવી ગયા છે. તબીબોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પારણા કરવાની કડક સલાહ આપી હતી. આથી મોડી રાત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં જ તેમને સમજાવીને જ્યુસ પીવડાવીને પારણા કરાવવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે.