Thursday - Apr 23, 2026

ચોરી પે સીના જોરી : મોરબીના આમરણમાં વીજ કનેક્શન કટ કરનાર વીજ કર્મી પર હુમલો

ચોરી પે સીના જોરી : મોરબીના આમરણમાં
વીજ કનેક્શન કટ કરનાર વીજ કર્મી પર હુમલો

મોરબી તાલુકાના આમરણ ગામે એક તો ચોરી અને ઉપરથી સીના જોરીની ઉક્તિને હકીકત ઠેરવતો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આમરણમાં છેલ્લા ત્રણ મહિનાથી વીજ બિલ નહિ ભરતા અંતે પીજીવીસીએલની ગાઈડલાઈન અનુસાર આમરણ ગામના આ વ્યક્તિના ઘરનું વીજ કનેક્શન કટ કરવાની ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપતા આ સૂચનાનો અમલ કરી એ વ્યક્તિના ઘરનું વીજ કનેક્શન કટ કરી નાખતા બિલ ભરવાને બદલે ઘર માલિક કનેકશન કટ કરનાર વીજ કર્મી ઉપર તૂટી પડીને હુમલો કર્યો હતો.

મોરબી તાલુકાના આમરણ ગામે પગથિયાં વાળી શેરીમાં રહેતા વીશાભાઇ સાર્દુલભાઇ નામના શખ્સે છેલ્લા ત્રણ મહિનાથી વીજબિલની બાકી રકમ રૂપિયા 2790 ભર્યું ન હોય વીજ કર્મચારી ધ્રુવરાજસીંહ ગોવીંદસીંહ ચૌહાણે કચેરીના આદેશ મુજબ આરોપીનું વીજ કનેક્શન કાપી નાખતા આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ , પરેશ વીશાભાઇ  અને કારાભાઇ વીશાભાઇએ ધ્રુવરાજસિંહનો કાંઠલો પકડી ભુંડાબોલી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી ફરજમાં રુકાવટ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.