Wednesday - Oct 07, 2026

માળીયામાં પાછળથી ટ્રક અથડાતાં એસટી આગળ જતી બોલેરોમાં ઘૂસી ; મુસાફરને ઈજા

માળીયામાં પાછળથી ટ્રક અથડાતાં એસટી આગળ જતી બોલેરોમાં ઘૂસી ; મુસાફરને ઈજા

એસટી બસને નુકસાન, ટ્રક ચાલક સામે ફરિયાદ

મોરબી : મોરબી-કંડલા નેશનલ હાઈવે પર માળીયા પોલીસ ચેકપોસ્ટ નજીક ટ્રક ચાલકે એસટી બસને પાછળથી ટક્કર મારતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરથી એસટી બસ આગળ જઈ રહેલી બોલેરો ગાડી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત બસને પણ નુકસાન થયું હતું. બનાવ અંગે એસટી બસના ચાલકે ટ્રક ચાલક સામે માળીયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જસદણના આટકોટ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને એસટી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મગળુભાઈ જીલુભાઈ ધાધલ (ઉં.વ.40)એ ટ્રક નંબર જીજે-39-ટીએ-6608ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મગળુભાઈ એસટી બસ નંબર જીજે-18-ઝેડટી-4389 લઈને મોરબી-કંડલા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન માળીયા પોલીસ ચેકપોસ્ટ નજીક મીઠાના કારખાના પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી એસટી બસના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.ટ્રકની ટક્કર બાદ બસ આગળ જઈ રહેલી બોલેરો ગાડીના પાછળના ભાગે અથડાતાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા દયારામભાઈ અજાભાઈ રાજગોર (રહે. ત્રાજપર, મોરબી)ને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એસટી બસને પણ નુકસાન થયું હતું.