જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ; શિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ઉચ્ચ સેવાઓ માટે તૈયાર કરાશે
મોરબી : સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સક્ષમ બનાવવાના હેતુથી મોરબીના જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા હવે ધોરણ 9થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે IAS, IPS તથા UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તાલીમ આપવામાં આવશે.
ટ્રસ્ટના પ્રમુખ ટી.ડી. પટેલે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતો નથી. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો તેઓ દેશની સર્વોચ્ચ વહીવટી સેવાઓ સુધી પહોંચી શકે છે. આ હેતુસર ટ્રસ્ટે ધોરણ 9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ તાલીમમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, UPSC અને અન્ય ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ પરીક્ષાની પદ્ધતિ, આયોજન અને અભ્યાસક્રમ અંગે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ શરૂઆતથી જ યોગ્ય દિશામાં તૈયારી કરી શકે.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો હેતુ માત્ર પરીક્ષા પાસ કરાવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, નિર્ણય શક્તિ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવી તેમને જવાબદાર નાગરિક તરીકે ઘડવાનો છે. ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પહેલનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટે જણાવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રે સમાજને વધુ સશક્ત બનાવવા માટે ભવિષ્યમાં પણ વિવિધ શૈક્ષણિક અને માર્ગદર્શનલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ વહીવટી સેવાઓમાં સ્થાન મેળવી સમાજ અને દેશનું ગૌરવ વધારી શકે.