Friday - May 01, 2026

ટંકારાના મોટા ખિજડીયાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, હનુમાનજીની મૂર્તિ અને આભૂષણો ચોરી ગયા

ટંકારાના મોટા ખિજડીયાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, હનુમાનજીની મૂર્તિ અને આભૂષણો ચોરી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખિજડીયામાં ફરી એક વાર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. તસ્કરોએ મોટા ખિજડીયા ગામમાં આવેલા શક્તિ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજની મૂર્તિ અને કિંમતી ઘરેણા સામાનની ચોરી કરી નાસી ગયા છે. મંદિરમાંથી ચોરી થતાં ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મોટા ખિજડીયાના ભાગોળે રોડ ઉપર આવેલા સતીમાના મંદિર પાસે ઝાલા પરિવારના કુળદેવી શક્તિ માતાના મંદિરે સ્થાપિત શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ તેમજ કિંમતી સાજો સામાન મળી કુલ અંદાજે રૂ. 3 લાખ જેટલી કિંમતનો સામાન તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે મોટા ખિજડીયાના સરપંચ તથા ભાજપના અગ્રણી જુવાનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં ચોરીનો આ બીજો બનાવ છે. ગત 22 તારીખે પણ ગામના બે મકાન અને આજ મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જોકે આજદિન સુધી એફ.આઈ.આર. નોંધાઈ નથી, અને આજે ફરી એજ ગામમાં તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

ટંકારાના મોટા ખિજડીયાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, હનુમાનજીની મૂર્તિ અને આભૂષણો ચોરી ગયા

મંદિરમાંથી ભગવાન હનુમાનજીની મૂર્તિની ચોરી માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના હોવાને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, પોલીસ તંત્ર દ્વારા સમયસર કડક પગલાં લેવાયા હોત તો કદાચ આજે આ બનાવ ન બન્યો હોત. લોકોમાં એવી લાગણી વ્યાપી છે કે, ગુનાઓ રોકવાને બદલે પોલીસ માત્ર ઔપચારિક કાર્યવાહી કરીને જવાબદારીમાંથી બચવાનો પ્રયત્ન કરે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિક નાગરિકો તથા આગેવાનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે, ટંકારા પોલીસ કોઈની સાડાબારી રાખ્યા વગર કડક કાર્યવાહી કરે, નિયમો અને જાહેરનામાના ભંગ બદલ દોષિત મજૂરો તેમજ તેમને રાખનારા માલિકો સામે કાયદેસર પગલાં ભરે, અને સતત વધી રહેલા ચોરીના બનાવો પર અંકુશ મૂકે. જો તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ટંકારા પંથકમાં ગુનાખોરી વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.