મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વે તારીખ 25 જાન્યુઆરીના રોજ મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી મનપા દ્વારા તાજેતરમાં વિસરાતી જતી રમતોથી બાળકો નજીક આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં મળેલી સફળતાના ભાગરૂપે આ મસ્તી સ્ટ્રીટનું આયોજન કરાયું છે. મોરબી મસ્તી સ્ટ્રીટમાં જૂની રમતો બાળકો રમે તેવું આયોજન મોરબીની એલ. ઈ. કોલેજ રોડ પર વિનામૂલ્યે કરાયું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસરાતી જતી જૂની રમતોને જીવંત કરવા માટે આ મોરબી મસ્તી સ્ટ્રીટ યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકો માત્ર મોબાઈલ અને વીડિયો ગેમ નહીં પરંતુ શારીરિક કસરતો કરે તથા બાળકોમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ અભ્યાસની સાથે સાથે શેરી, ગલીમાં રમાતી જૂની રમતો પણ રમતા થાય તેવો છે. મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ એલ. ઈ. કોલેજ રોડ, મોરબી ખાતે સવારે 7:30 વાગ્યે આ મોરબી મસ્તી સ્ટ્રીટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવશે. જેમાં લખોટી, લીંબુ ચમચી, રસ્સી ખેંચ, સાપસીડી, કોથળા દોડ, ભમરડો, દોરડા કૂદ, આંધળો પાટો, લંગડી, ટાયર સહિતની અનેક વિસરાતી જતી જૂની રમતો રમાડવામાં આવશે. આ કાર્યક્રમ પહેલા વોર્મ અપ માટે યોગા અને ઝૂમ્બા દરેક આવનારને કરાવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમના સ્થળ પર આર્ટ કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી શહેરના વધુને વધુ લોકો જોડાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.