મોરબી: સેવા એ જ પરમ ધર્મની ભાવના સાથે પાટીદાર વુમન્સ ગ્રુપના સભ્યો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક પ્રશંસનીય સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગ્રુપના ઉત્સાહી સભ્ય ચંદાબેન કાબરા દ્વારા ઝૂંપડપટ્ટીના ગરીબ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ધરાવતી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયથી અનેક પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
સાથે જ, અન્ય સભ્ય કાઝલબેન આદ્રોજાએ તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે હોટેલમાં ખર્ચ કરવાને બદલે ઝૂંપડપટ્ટીના નિર્દોષ બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.
આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિમાં પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણીઓ અને સભ્યો સર્વે ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા, આસાબેન પટેલ, પૂજાબેન પટેલ, સોભનાબેન કણસાગરા, નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયાએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.