Friday - Jul 17, 2026

એસએમસીએ ફરી મોરબી પોલીસની ઊંઘ હરામ કરી ગોડાઉનમાં દારૂના કટિંગ વખતે જ મોટી રેડ

એસએમસીએ ફરી મોરબી પોલીસની ઊંઘ હરામ કરી ગોડાઉનમાં દારૂના કટિંગ વખતે જ મોટી રેડ

દારૂની 17514 બોટલ સહિત 1.12 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા

મોરબી :  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબી નજીક દારૂની મોટી રેડ પાડીને મોરબી જિલ્લા પોલીસ બેડાંમાં ફરી એક વખત સોપો પાડી દીધો છે. જેમાં  ગઈકાલે સાંજના સમયે મોરબીના શક્ત શનાળા ગામની સીમમાં પાર્ટી પ્લોટ પાછળ આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ એસએમસીની ટીમ ત્રાટકી હતી તેથી દારૂનું કટીંગ કરતા બુટલેગરોના હોશકોશ ઉડી ગયા હતા. એસએમસીની ટીમે 76 લાખથી વધુ કિંમતની 17514 દારૂની બોટલ સહિત 1.12 કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લઈ અન્ય સાત શખ્સોના નામો ખોલાવી દારૂના મોટાપાયે નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

મોરબીના શક્ત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમેં દરોડો પડતા બુટલેગરોની સાથે મોરબી પોલીસ બેડાંમાં સન્નાનો મચી ગયો હતો. એસએમસીની ટીમે રેડ કરી દારૂનું કટીંગ કરતા મુકેશ મહેન્દ્ર કુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દિનેશ પ્રેમરામ ગુરુ અને પ્રવીણ ભગીરથરામ વારાડ રહે.તમામ રાજસ્થાન વાળાઓને વિદેશી દારૂની 17514 બોટલ કિંમત રૂપિયા 76,39,092, ત્રણ વાહનો કિંમત રૂપિયા 35,30,000, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને રોકડા રૂપિયા 5120 સહિત કુલ રૂપિયા 1,11,94,212 સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન આરોપીઓની પૂછતાછમાં અન્ય સાત આરોપીઓની સંડોવણી સામે આવતા આરોપી અશોક પૂર્ણાંરામ પુવાર, કમલેશ હનુમાનરામ રામ, મહેશ ચૌધરી, ટ્રેલર ટ્રકનો માલિક અને ડ્રાઇવર, અશોક લેલન્ડ બડા દોસ્તનો માલિક અને દારૂનો જથ્થો મોકલનાર શખ્સને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. જો કે સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં સ્થાનિક બુટલેગરોની સંડોવણી હજુ સુધી ખુલ્લી નથી. દારૂ મંગાવનાર અને ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર તમામ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે ત્યારે શક્ત શનાળામાં ગોડાઉન ભાડે રાખવામાં કોની કોની સંડોવણી છે અને ગોડાઉન માલિકની સંડોવણી છે કે કેમ તે સહિતની બાબતો હવે ખુલશે તો ભલભલાના તપેલા ચડી જશે. આ અગાઉ પણ એસએમસીએ શનાળા સીમ વિસ્તારમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો ત્યારે વધુ એક દરોડાએ મોરબી પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી.