રવીરાજ ચોકડી નજીક ‘મેલડીની મહેર’ કેબિનમાં એસ.ઓ.જી.નો દરોડો : ગાંજો, રોકડ અને બે મોબાઈલ મળી રૂ.91,400નો મુદ્દામાલ કબજે
મોરબી : મોરબીમાં રવીરાજ ચોકડી નજીક આવેલી કેબિનમાંથી ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 958 ગ્રામ ગાંજો, રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે પ્રિન્સ પ્રવીણભાઈ ધંધુકીયા નામનો શખ્સ પોતાના માણસ વિપુલ રમેશભાઈ કુંજરીયાને સાથે રાખી રવીરાજ ચોકડીથી માળિયા તરફ જતા પુલના છેડે આવેલી ‘મેલડીની મહેર’ નામની કેબિનમાં ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે કેબિનમાં દરોડો પાડતા ત્યાંથી 958 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.47,900 હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ગાંજાના વેચાણમાંથી મળેલી રૂ.23,500ની રોકડ અને રૂ.20,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રિન્સ પ્રવીણભાઈ ધંધુકીયા (રહે. રણછોડનગર શેરી નં.1, વીસીપરા, મોરબી, મૂળ રહે. દહીંસરા, તા. માળિયા મિયાણા) અને વિપુલભાઈ રમેશભાઈ કુંજરીયા (રહે. વાવડી રોડ, મીરા પાર્ક સોસાયટી, મોરબી)ને ઝડપી લીધા હતા. બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B)(2-A) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ની કાર્યવાહી બાદ સમગ્ર કેસની આગળની કાયદેસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.