10 ઓક્ટોબરે 125 બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ,વર્ષ દરમિયાન સત્સંગીઓ વધતા વિશાળ AC સત્સંગ હોલનું નિર્માણ
મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાનગૃહ ખાતે નિયમિત યોજાતી ‘શ્રી રામધૂન’ને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 10 ઓક્ટોબરના રોજ ‘શ્રી રામધૂન વાર્ષિકોત્સવ મહામહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં 12 કલાકની અખંડ રામધૂન સાથે શિશુ મંદિરના 125 જેટલા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
સંવત ભાદરવા વદ અમાસના પવિત્ર દિવસે યોજાનારા મહોત્સવમાં સવારે 8:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થશે. ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. ત્યારબાદ શિશુ મંદિરના 125 બાળકો વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરશે. આ સાથે મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 12 કલાકની અખંડ રામધૂન યોજાશે. ઉપસ્થિતો માટે બપોરના ભોજન તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની મુળજીભાઈ ડાયાભાઈ કુંડારીયા અને માધવજીભાઈ હરીભાઈ ધોડાસરા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
એક વર્ષમાં સત્સંગ હોલનું નિર્માણ
મોક્ષે સિધાવેલા આત્માઓના કલ્યાણાર્થે 30 સપ્ટેમ્બર 2025થી દરરોજ બપોરે 2થી 6 વાગ્યા સુધી શાંતિધામ ખાતે રામધૂન શરૂ કરવામાં આવી હતી. સમય જતાં સત્સંગીઓની સંખ્યા વધતા ધર્મપ્રેમી દાતાઓના સહયોગથી આશરે 45×50 ફૂટના વિસ્તારમાં વિશાળ AC ‘શ્રી રામધૂન સત્સંગ હોલ’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
32 વર્ષથી પર્યાવરણલક્ષી સેવા
શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 32 વર્ષથી પર્યાવરણના જતનના હેતુ સાથે શૂન્ય પ્રદૂષણ આધારિત વિદ્યુત/ગેસ સ્મશાનગૃહ ચલાવવામાં આવે છે. અંતિમયાત્રા માટે બે મોક્ષ રથ પણ કાર્યરત છે. આ ઉપરાંત અબોલ પક્ષીઓ માટે દર મહિને 100 કિલો સીંગદાણા પોપટને ચણ તરીકે નાખવાની સેવા પણ કરવામાં આવે છે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ યુ. ભાલોડિયા, ઉપપ્રમુખ ભરતકુમાર કારીયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી સમીરભાઈ પંડિત સહિત ટ્રસ્ટીગણે ધર્મપ્રેમી જનતાને અનુરોધ કર્યો છે.