કારમાંથી દારૂની બોટલો મળી આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો હોવાની આશંકા
ટંકારા : ટંકારા તાલુકાના હમિરપર ગામના પાટિયા પાસે આજે બે કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થતા બન્ને કારનો બુકડો બોલી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં હાલ છ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા થવાથી આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે અકસ્માતગ્રસ્ત કારમાં દારૂની બોટલો મળી આવતા આ સમગ્ર મામલો ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોવાની પ્રબળ આશંકા ઉદભવી છે.
ટંકારાના મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી (GJ 10 DR 0611) અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર (GJ 10 DE 2735) વચ્ચે હમિરપર ગામ નજીક સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. વેગનર કારમાં સવાર ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે સામેની પંચ ગાડીના ચાલકને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ૬ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ત્યારે ભારે રોષ જોવા મળ્યો જ્યારે એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.