રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા તાજેતરમાં હરિયાણાના સમાલખા ખાતે ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન સંપન્ન થઈ. જેમાં સરસંઘચાલક મોહનજી ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત ૧૪૩૮ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણે આ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે દેશભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંઘના કાર્ય અને વ્યાપમાં મોટો વધારો નોંધાયો છે.
૧. સંઘ કાર્યમાં રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે વૃદ્ધિ
- દેશભરમાં શાખાઓ વધી: એક જ વર્ષમાં દેશભરમાં ૫,૮૨૦ દૈનિક શાખાઓનો વધારો થયો છે. હાલ દેશમાં ૫૫,૬૮૩ સ્થળો પર કુલ ૮૮,૯૪૯ દૈનિક શાખાઓ, ૩૨,૬૦૬ સાપ્તાહિક મિલન અને ૧૩,૨૧૧ માસિક મિલન ચાલે છે.
- સૌરાષ્ટ્રની સ્થિતિ: સૌરાષ્ટ્રમાં હાલ ૨૯૪ સ્થાનો પર ૬૦૧ દૈનિક શાખાઓ, ૫૯૯ સાપ્તાહિક મિલન અને ૩૨૩ માસિક મિલન ચાલી રહ્યા છે.
- ડિજિટલ જોડાણ: જાન્યુઆરી ૨૦૨૬માં 'JOIN RSS' વેબસાઇટ મારફતે ૨૬,૪૪૫ લોકોએ સંઘ સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી છે.
૨. સંઘ શતાબ્દી વર્ષ: સૌરાષ્ટ્રમાં વ્યાપક જનસંપર્ક
- ૧૪.૫૧ લાખ ઘરોનો સંપર્ક: શતાબ્દી વર્ષ નિમિત્તે સૌરાષ્ટ્રના ૧૯,૧૭૫ કાર્યકર્તાઓ (જેમાં ૧,૧૩૪ બહેનો સામેલ છે) દ્વારા ૧૪,૫૧,૧૮૫ ઘરોનો સંપર્ક કરી 'પંચ પરિવર્તન' નો સંદેશ આપવામાં આવ્યો.
- હિન્દુ સંમેલનો: સૌરાષ્ટ્રના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ ૩૧૫ હિન્દુ સંમેલનો યોજાયા, જેમાં ૭૫ હજારથી વધુ બહેનો સહિત કુલ ૧.૭૪ લાખથી વધુ લોકો જોડાયા.
૩. રાષ્ટ્રીય મંચ પર સૌરાષ્ટ્ર-કચ્છના પ્રોજેક્ટ્સની પ્રશંસા
અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ સૌરાષ્ટ્ર-કચ્છના નીચે મુજબના સેવાકાર્યોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો:
- મધુવન પ્લાન્ટેશન (જૂનાગઢ): માંગરોળના ખાંભલા ગામમાં લોકસહયોગથી ૧૫ લાખ રૂપિયા એકત્ર કરી ૩૦ વીઘા જમીનમાં ૬,૫૦૦ વૃક્ષો વાવીને ડ્રિપ સિંચાઈ સાથે વન ઊભું કરાયું. આનાથી પ્રેરાઈને અન્ય ૯ ગામોમાં પણ આ કાર્ય શરૂ થયું.
- વિશાળ આરોગ્ય શિબિર (રાજકોટ-ગોંડલ): ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે એક જ દિવસે ૧૭૦ નિઃશુલ્ક આરોગ્ય શિબિરો યોજાઈ, જેમાં ૯૦૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી.
- ગૌ-સેવા સંગમ (કચ્છ): જૂન મહિનામાં કચ્છમાં આયોજિત ગૌ-સેવા સંગમમાં ૩૧૮ ગામોનો સંપર્ક કરાયો અને અંદાજે ૧૨,૦૦૦ લોકોએ હાજરી આપી.
૪. આગામી આયોજનો અને વિશેષ નોંધ
- પ્રશિક્ષણ વર્ગ: આગામી ૧૬ મે ૨૦૨૬ થી ૧ જૂન ૨૦૨૬ સુધી સૌરાષ્ટ્રનો સંઘ શિક્ષા વર્ગ અંજાર ખાતે યોજાશે.
- સંત રવિદાસજીની ૬૫૦મી જન્મ જયંતી: સંતશિરોમણિ સદગુરુ રવિદાસજી મહારાજના ૬૫૦માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે દેશભરમાં વ્યાપક કાર્યક્રમો થશે. સરકાર્યવાહજીએ તેમના વક્તવ્યમાં સંત રવિદાસજીના સામાજિક સમરસતા, ભેદભાવ નાબૂદી અને ધર્માંતરણ સામેના તેમના ઐતિહાસિક યોગદાનને બિરદાવ્યું હતું અને દેશની એકાત્મતા માટે તેમના માર્ગે ચાલવા આહ્વાન કર્યું હતું.