Monday - Aug 17, 2026

મોરબીમાં શ્રાવણીયા જુગાર પર તવાઈ : ભાડાના ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 7 ગિરફ્તાર

મોરબીમાં શ્રાવણીયા જુગાર પર તવાઈ : ભાડાના ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 7 ગિરફ્તાર

રવાપર-ધૂનડા રોડની રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસમાં પોલીસે ત્રાટકીને રૂ.1.21 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

મોરબી : શ્રાવણ માસ શરૂ થતાં મોરબીમાં જુગારની બદી ફૂલીફાલી રહી છે ત્યારે પોલીસે પણ જુગારની બદી પર કડક અંકુશ લગાવવાનું શરૂ કર્યું છે. શ્રાવણીયા જુગાર સામે કાર્યવાહી જારી રાખીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર-ધૂનડા રોડ પર આવેલી રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસના ભાડાના ફ્લેટમાં દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે ફ્લેટમાંથી સાત શખ્સોને ઝડપી લઈ રૂ.1,21,600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રવાપર-ધૂનડા રોડ પર રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસના બ્લોક નં.503માં ભાડે રહેતા જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા પોતાના ફ્લેટમાં બહારથી માણસોને બોલાવી એકઠા કરી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા ફ્લેટમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમતા સાત ઈસમો મળી આવ્યા હતા.

દરોડામાં મોરબીના રવાપર-ધૂનડા રોડ, રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસ બ્લોક નં.503ના જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા, મોરબી પંચાસર રોડ શ્રીમદ રાજનગરના વૈભવભાઈ નરભેરામભાઈ કકાસણીયા, મોરબી રવાપર-ઘુનડા રોડ ઉમિયાનગર શેરી નં.3 સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નં.401ના અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા, મોરબી રવાપર રોડ-ઘુનડા રોડ 80 ફૂટ રોડ સાહેબ પેલેસ નં.607ના જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા, મોરબી તાલુકાના બીલીયા ગામના કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી, મોરબી રવાપર રોડ કૃષ્ણા સ્કૂલવાળી શેરી ઓપેરા એપાર્ટમેન્ટ નં.202ના જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા તથા મોરબી એસ.પી. રોડ 60 ફૂટ રોડ સાહેબ એપાર્ટમેન્ટ નં.502ના અમિતભાઈ કાંતીલાલ દેત્રોજા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,21,600નો મુદ્દામાલ કબજે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ભાડાના મકાનો અને ફ્લેટમાં ચાલતા જુગારધામો પર પણ પોલીસની નજર હોવાનું સ્પષ્ટ થયું છે.