રાતીદેવડી શાળાના શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટના પ્રયાસ બાદ ‘વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના’નો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં આવ્યો
મોરબી : વાંકાનેર તાલુકાની રાતીદેવડી પ્રાથમિક શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા બાળકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા માટે શાળામાં વિશેષ સંસ્કૃત કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કક્ષમાં મહર્ષિ પાણિનીના વિચારો તેમજ સંસ્કૃત વ્યાકરણની પરંપરાને આધારે બાળકોને ભાષા શિક્ષણ આપવામાં આવે છે.
રાતીદેવડી પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવેલા આ સંસ્કૃત કક્ષની ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી હતી. બોર્ડ દ્વારા આ પ્રકારના પ્રયોગને આધારે ગુજરાત સરકાર સમક્ષ ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે ‘વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ગુજરાત સંસ્કૃત બોર્ડને રૂ. 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં 500થી વધુ શાળાઓ આ યોજનાનો લાભ લઈ ચૂકી છે. જે શાળાઓ પોતાની જગ્યામાં સંસ્કૃત કક્ષનું નિર્માણ કરવા ઇચ્છે છે, તેવી શાળાઓને રૂ. 50,000ની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.
રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષ શરૂ થવાથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના શિક્ષણ માટે અલગ સુવિધા ઉપલબ્ધ થઈ છે. સાથે જ શાળાની સંસ્કૃતલક્ષી પ્રવૃત્તિઓના કારણે ગ્રામજનોને પણ આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો લાભ મળી રહ્યો છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે રાતીદેવડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા સંસ્કૃત કક્ષની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં ગામના ઇન્ચાર્જ સરપંચ બળવંતભાઈ વોરા, મહાવીરસિંહ ઝાલા, ડૉ. પાયલબેન ભટ્ટ, ગીતાબેન વાઘેલા, પ્રતાપસિંહ ઝાલા તથા અશરફભાઈ માથકીયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાતીદેવડી પ્રાથમિક શાળામાં શરૂ થયેલા સંસ્કૃત કક્ષથી શાળાકક્ષાએ સંસ્કૃત શિક્ષણને વધુ વ્યવસ્થિત રીતે આગળ વધારવા માટેની સુવિધા ઊભી થઈ છે. રાતીદેવડીમાં હાથ ધરાયેલા આ પ્રયોગને આધારે રાજ્યની અન્ય શાળાઓમાં પણ ‘વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના’ હેઠળ સંસ્કૃત કક્ષો શરૂ થઈ રહ્યા છે.