Monday - Aug 17, 2026

મોરબીમાં પતિના ત્રાસથી પત્નીનો ગૃહત્યાગ, 181 અભયમની સતર્કતાથી ફરી બંનેનો સુખદ મેળાપ

મોરબીમાં પતિના ત્રાસથી પત્નીનો ગૃહત્યાગ, 181 અભયમની સતર્કતાથી ફરી બંનેનો સુખદ મેળાપ

હળવદ રોડ પરથી બે દીકરીઓ સાથે રડતી હાલતમાં મળી આવેલી મહિલાનું કાઉન્સેલિંગ કરી પતિને કાયદાકીય જોગવાઈઓ સમજાવી ભવિષ્યમાં પત્ની સાથે અયોગ્ય વર્તન કે મારઝૂડ ન કરવા કડક ચેતવણી આપી

મોરબી : મોરબીમાં પતિના લાંબા સમયથી ચાલતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને બે દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયેલી મહિલાને 181 અભયમ ટીમે હળવદ રોડ પરથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મહિલાની આપવીતી સાંભળ્યા બાદ અભયમ ટીમે પતિને કાયદાકીય જોગવાઈઓ સમજાવી ભવિષ્યમાં પત્ની સાથે અયોગ્ય વર્તન કે મારઝૂડ ન કરવા કડક સમજ આપી હતી.

13 ઓગસ્ટના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે કોલ કરીને જાણ કરી હતી કે, મોરબી હળવદ રોડ પર એક અજાણી મહિલા બે દીકરીઓ સાથે એકલી બેઠી છે. મહિલા ખૂબ રડી રહી છે અને ગભરાયેલી હાલતમાં હોવાથી તેને મદદ કરવાની જાણ કરતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તથા પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે આસપાસના લોકોએ મહિલાને સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી. અભયમ ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી શાંત કરી હતી અને ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ લીધે પત્નીનું જીવવું હરામ કરી દીધું

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને કુલ ત્રણ દીકરીઓ છે. તેઓ સાસુ, સસરા, પતિ, દિયર અને દેરાણી સહિતના સંયુક્ત પરિવારમાં રહે છે. મહિલાના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી પતિ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા. તેમાંય છેલ્લા ત્રણ વર્ષથી પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાના કારણે પત્ની આંખમાં કણાની જેમ ખૂંચતી હોય એમ તેનું જીવવું હરામ કરી દીધું હતું. જેમાં પત્નીને ગાળો ભાંડી ગેરવર્તન કરતો હોય એટલું ઓછું હોય એમ પતિ અવારનવાર તેમની સાથે મારપીટ કરી અને નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપતો હતા. એટલું જ નહીં,પતિએ તેમને ઘર છોડીને જતા રહેવાનું કહેતા હાડોહાડ લાગી આવવાથી તેઓએ ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું.

પત્ની નાની વાતોને ખોટી રીતે માથે લઈને ઘરેથી નીકળી ગયાની પતિએ પણ ફરિયાદ કરી

મહિલાની સમગ્ર આપવીતી સાંભળ્યા બાદ 181 અભયમ ટીમ મહિલાને લઈને તેમના ઘરે પહોંચી અને પતિ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પતિએ પોતાની તરફથી બચાવ કરતાં જણાવ્યું હતું કે, પત્ની નાની-નાની વાતોને ખોટી રીતે લઈને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને તેઓ પત્ની તથા દીકરીઓને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. અભયમ ટીમે પરિવારજનોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સલાહ-સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને પતિને પોલીસ ફરિયાદ તથા કાયદાકીય જોગવાઈઓની સમજ આપી પત્ની સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મારઝૂડ, અપશબ્દો કે અયોગ્ય વર્તન ન કરવા અંગે પતિને કડક શબ્દોમાં લાંબી સમજ આપવામાં આવી હતી.અભયમ ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ પરિસ્થિતિ થાળે પડતા ફરીથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું.