શિવપૂજા, જપ, તપ, ઉપવાસ, રુદ્રાભિષેક તેમજ વિવિધ પ્રકારના દાન ખરા અંતઃકરણપૂર્વક કરવાથી શિવના અપાર કૃપા વરસતી હોવાની શ્રદ્ધા
મોરબી : સનાતન હિંદુ ધર્મમાં ભગવાન શિવને અતિપ્રિય માનવામાં આવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આ વર્ષે 13 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ મઘા નક્ષત્રમાં થશે, જ્યારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ 11 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ થશે. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે સર્વોત્તમ માસ માનવામાં આવે છે. આ સમગ્ર માસ દરમિયાન શિવપૂજા, જપ, તપ, ઉપવાસ, રુદ્રાભિષેક તેમજ વિવિધ પ્રકારના દાનનું વિશેષ મહત્વ રહેલું છે.
શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રાવણ માસમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી મનની શાંતિ, સુખ-સમૃદ્ધિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થતી હોવાનું ધાર્મિક માન્યતા છે. આ માસ દરમિયાન સાત્વિક આહાર અને સદાચારનું વિશેષ પાલન કરવું પણ શુભ માનવામાં આવે છે.
ચાર શ્રાવણ સોમવાર
આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન કુલ ચાર શ્રાવણ સોમવાર આવશે. જેમાં 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર 2026નો સમાવેશ થાય છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા, અભિષેક, મંત્રજપ અને ઉપવાસનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ માનવામાં આવે છે.
વિવિધ દ્રવ્યો દ્વારા શિવપૂજાનું મહત્વ
શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને વિવિધ પવિત્ર દ્રવ્યો અર્પણ કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમાં શુદ્ધ જળ, ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, મિશ્રી, પંચામૃત, નાળિયેરનું પાણી, શેરડીનો રસ, બિલ્વપત્ર, ધતુરાના ફૂલ અને ફળ, આકડાના ફૂલ અને પાન, શમીપત્ર, ભાંગ, ચંદન, ભસ્મ (વિભૂતિ), અક્ષત, સફેદ ફૂલો, કનેરના ફૂલ, ચમેલી, મોગરો, કમળ, દુર્વા, ફળ, નાળિયેર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ગોળ તેમજ સુગંધિત અત્તર સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
શિવ ઉપાસનામાં વિવિધ પૂજા-યજ્ઞ અને અનુષ્ઠાન
શ્રાવણ માસ દરમિયાન ભક્તો પોતાની શ્રદ્ધા અને સંકલ્પ અનુસાર વિવિધ ધાર્મિક પૂજા, અભિષેક, જપ અને અનુષ્ઠાન કરાવી શકે છે. જેમાં શિવલિંગ જલાભિષેક, પંચામૃત અભિષેક, એકાદશ દ્રવ્ય અભિષેક, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર મહાયજ્ઞ, પાર્થિવ શિવલિંગ પૂજન, શિવ પંચાયતન પૂજન, બિલ્વપત્ર અર્ચન, શિવ સહસ્રનામ અર્ચન તથા શિવ અષ્ટોત્તરશત નામાવલી અર્ચનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મહામૃત્યુંજય મંત્ર જપ અનુષ્ઠાન, પંચાક્ષરી મંત્ર જપ અનુષ્ઠાન, રુદ્રાક્ષ પૂજન અને ધારણ વિધિ, પ્રદોષ વ્રત પૂજન, સોળ સોમવાર વ્રત પૂજન અને શ્રાવણ સોમવાર વિશેષ પૂજન પણ કરી શકાય છે.
વિવિધ હેતુઓ માટે વિશેષ શિવ ઉપાસના
ધાર્મિક પરંપરા અનુસાર વિવિધ હેતુઓ માટે પણ શિવપૂજન અને અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમાં નવગ્રહ શાંતિ સાથે શિવપૂજન, કાલસર્પ દોષ શાંતિ, ગ્રહપીડા નિવારણ રુદ્રાભિષેક, આયુષ્ય અભિષેક, આરોગ્ય અભિષેક, સંતાનપ્રાપ્તિ પ્રયોજન, લગ્નપ્રાપ્તિ પ્રયોજન, દાંપત્ય સુખ માટે શિવ-પાર્વતી પૂજન, ધન-સમૃદ્ધિ માટે વિશેષ અભિષેક, વ્યવસાય અને રોજગાર વૃદ્ધિ માટે રુદ્રાભિષેક તેમજ ગૃહશાંતિ માટે શિવપૂજનનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત શિવપુરાણ પાઠ અથવા સપ્તાહ, અખંડ દીપ પ્રજ્વલન, અન્નદાન, ગૌદાન, વસ્ત્રદાન અને બ્રાહ્મણ ભોજન જેવા ધાર્મિક કાર્યોનું પણ શ્રાવણ માસમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ તથા ‘ૐ નમઃ શિવાય’ મંત્રના જપનું વિશેષ ફળ મળતું હોવાનું ધાર્મિક માન્યતા છે. ભક્તજનો શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી પવિત્ર શ્રાવણ માસને આધ્યાત્મિક સાધના અને ભક્તિનો અવસર બનાવી શકે છે.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સર્વે ભક્તજનોને હાર્દિક શુભેચ્છાઓ — હર હર મહાદેવ
-ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે (મોરબીવાળા)
(સંસ્કૃત વિશારદ, જ્યોતિષ રત્નમ, સાહિત્ય શાસ્ત્રી, વાસ્તુ માર્ગદર્શક)
સંપર્ક : 8000911444