Saturday - Oct 03, 2026

મોરબીમાં ઉધારમાં માલ આપવાની ના પાડતા દુકાનમાં તોડફોડ, વેપારીને પતાવી દેવાની ધમકી

મોરબીમાં ઉધારમાં માલ આપવાની ના પાડતા દુકાનમાં તોડફોડ, વેપારીને પતાવી દેવાની ધમકી

ઉશ્કેરાયેલા શખ્સે વેપારી અને તેના પત્ની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી, ફ્રિજમાં પથ્થર મારી નુકસાન પહોંચાડ્યું : વૃદ્ધ વેપારીની ફરિયાદે પોલીસ તપાસ શરૂ

મોરબી : મોરબીના વાવડી રોડ પર ઉધારમાં માલ આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે દુકાનના ફ્રિજમાં તોડફોડ કરી વેપારી અને તેના પત્ની સાથે ગાળાગાળી તથા ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. દુકાનના ફ્રિજમાં પથ્થર મારી નુકસાન પહોંચાડીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વાવડી રોડ પર મીરા પાર્ક ખાતે રહેતા જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી (ઉં.વ.64)એ વાવડી રોડ પર જ આવેલ મીરા પાર્ક શેરી નં.3માં રહેતા અશોકભાઈ રાયધનભાઈ છુછીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વાવડી રોડ પર મીરા પાર્ક નજીક જયેન્દ્રગીરીની દુકાને આરોપી ઉધારમાં વસ્તુ લેવા આવ્યો હતો. જોકે, દુકાનદારે ઉધારમાં માલ આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને વેપારી તથા તેમના પત્નીને ગાળો આપી ઝપાઝપી કરી હતી. આટલેથી ન અટકતાં દુકાનમાં રહેલા ફ્રિજ પર પથ્થરનો ઘા કરી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વૃદ્ધ વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે.