મોરબીના સામાકાંઠે લાલબાગ સરકારી વસાહત પાસે આવેલ તાલુકા સેવા સદનમાં હાલ મોટી સંખ્યામાં લોકો રેશનકાર્ડની વિવિધ કામગીરી માટે હડિયાપટ્ટી કરી રહ્યા છે. કારણ કે, લાઈનો જ એટલી બધી લાંબી છે કે સવારે રેશનકાર્ડમાં કોઈ સુધારા વધારા કરવા આવ્યા હોય અને સાંજ સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ વારો આવતો ન હોય મહિલાઓને નાહી નાખવાનો વખત આવે છે.
મોરબીની શહેર મામલતદાર કચેરીએ રેશનકાર્ડની વિવિધ કામગીરી થઈ રહી હોય એમાં ઇકેવાયસી અને આધારકાર્ડ લિંક કરવા માટે આ મામલતદાર કચેરીએ આવવું લડતું જ હોય પણ લાઈનો મોટી હોવાને કારણ ઘણા બુઝુર્ગ અને મહિલાઓને આખો દિવસ ગરમીમાં ઉભા રહ્યા બાદ વારો ન આવતા જે તે વ્યક્તિ ભારે હૈયાવરાળ ઠાલવે છે. જેમાં જલ્પાબેન નામના મહિલાએ કહ્યું હતું કે, તેઓ રેશનકાર્ડમાં નામ ચડાવવા આવ્યા હોય પણ છેલ્લા ત્રણ દિવસ સુધી ધક્કો ખાધા બાદ પણ આ કામ થતું ન હોવાથી આજે ફરી આવતા ભારે ભીડ જોઈને તેમનું કામ નહીં જ થાય એવો ઊંડો નિસાસો નાખ્યો હતો. આજે પુરુષો અને બહેનો પણ વધુ પ્રમાણમાં હોય એનું કારણ લોકસભાની ચૂંટણી નજીક હોય એટલે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા ઉમટી પડ્યા હોય પણ યોગ્ય સગવડો જ હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે. બીજા એક જયસુખભાઈ પરમારે જણાવ્યું હતું કે, 11થી 2 વાગ્યાનો સમય હોય પણ લોકો વહેલી સવારથી આવી જતા હોય બધાયનો વારો ન આવે એમ હોય ઉપર તડકો અને નીચે પણ તળિયા ઝાટક જેવી પરિસ્થિતિમાં લોકોની હાલત નાજુક બની જાય છે. કારણ કે ભીડ જ એટલી બધી છે કે, કોનો ક્યારે વારો આવશે એ નક્કી જ નથી. આથી તંત્ર આ લોકોને ઉભા રહેવા માટે છાંયડો, પાણી સહિતની ઘણીબધી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએ. સૌથી મોટી બાબત એ છે કે આ કામગીરી માટે એક જ કાઉન્ટર હોવાથી ભીડ ઓછી થતી નથી. જો બે કાઉન્ટર હોય તો ભીડ ઓછી થશે.