મોરબી : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં નાની એવી બાબતે ચાર વર્ષ પૂર્વે થયેલા હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે તમામ ચારેય આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે.
તા.14/3/2021ના રોજ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં નાના ભાઈની મશ્કરી કરનાર શખ્સોને સમજાવવા જતા મોટા ભાઈ અવેશ કાસમભાઈ જંગિયા ઉપર આરીફભાઈ મહેબુભાઈ જામ, હૈદરભાઈ નુરમહમદભાઈ મોવર, ગફુરભાઈ ઈસાભાઈ કાજેડીયા, અબ્દુલભાઈ ઈસાભાઈ કાજેડીયા, કાસમભાઈ ઈસાભાઈ કાજેડીયાએ છરી તેમજ ધોકાથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ મામલે મૃતકના ભાઈ હારૂનભાઈ કાસમભાઈ જંગીયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ મોરબી સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ તથા દલીલો ધ્યાને રાખી આરીફભાઈ મહેબુભાઈ જામ, હૈદરભાઈ નુરમહમદભાઈ મોવર, ગફુરભાઈ ઈસાભાઈ કાજેડીયા અને કાસમભાઈ ઈસાભાઈ કાજેડીયાને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અબ્દુલભાઈ ઈસાભાઈ કાજેડીયા નામના એક આરોપીનું અવસાન થયેલ છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલ હતા.