ગાંધીજીના 1925માં મોરબીમાં આગમનથી અને પ્રભાવથી સ્વદેશી સંગ્રામમાં મોરબીનું પણ વિશેષ યોગદાન
(રવિ બરાસરા) : આઝાદીની લડતના ઇતિહાસમાં મોરબીનું સ્થાન રજવાડી નગરી પૂરતું સીમિત ન રહી સ્વદેશી ચળવળ અને સત્યાગ્રહ સાથે પણ જોડાયેલું છે. 19 ફેબ્રુઆરી, 1925ના રોજ કાઠિયાવાડ પ્રવાસ દરમિયાન મહાત્મા ગાંધીજી મોરબી આવ્યા હતા અને રાજકોટથી મોરબી સુધીના માર્ગે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ગાંધીજીના મોરબી સાથેના સંબંધની પૃષ્ઠભૂમિમાં ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વરાજના વિચારો તેમજ મોરબી નજીકના વવાણિયા ગામ સાથે સંકળાયેલા તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ પણ જોવા મળે છે. ગાંધીજીના મોરબીમાં આગમન બાદ સ્વદેશી ચળવળ વધુ બળવત્તર બની હતી. જો કે, સ્વદેશી ચળવળમાં મોરબીનો પણ એક વિશિષ્ટ અધ્યાય સંકળાયેલી છે. ઇતિહાસમાં ડોકયું કરીએ તો પરદેશી કાપડના વેપાર સામે સ્વદેશી અને ખાદીના પ્રચારથી શરૂ થયેલો મોરબીનો સત્યાગ્રહ માત્ર વિદેશી માલના બહિષ્કાર પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમયની રજવાડી સત્તા દ્વારા જાહેર સભા, પ્રાર્થના, રચનાત્મક પ્રવૃત્તિઓ અને ગાંધીજીના જયઘોષ પર મૂકાયેલા પ્રતિબંધ સામેના અહિંસક સંઘર્ષમાં ફેરવાયો હતો. વર્ષ 1931માં બે તબક્કામાં ચાલેલા આ આંદોલનમાં સત્યાગ્રહીઓએ ધરપકડ, હદપારી, લાઠીચાર્જ અને હન્ટરના મારનો સામનો કર્યો હતો. અંતે મહાત્મા ગાંધીના હસ્તક્ષેપથી સમાધાન થતાં જુલાઈ 1931માં સત્યાગ્રહનો અંત આવ્યો હતો.
મોરબીના વેપારીઓને સમજાવી પરદેશી કાપડનું વેચાણ બંધ કરાવ્યું
વર્ષ 1930 માં સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસેનાની ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી સહિતના આગેવાનો પરદેશી કાપડનો બહિષ્કાર, ખાદીનો ઉપયોગ અને સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે સક્રિય બન્યા હતા. ફેબ્રુઆરી 1930માં આ આગેવાનોએ મોરબીના વેપારીઓને સમજાવી પરદેશી કાપડનું વેચાણ બંધ કરાવ્યું હતું. જોકે, 1931માં ગાંધી-ઇર્વિન કરાર થયા બાદ વેપારીઓએ ફરીથી પરદેશી કાપડનો વેપાર શરૂ કર્યો હતો. પરિણામે સ્વદેશી ચળવળને આગળ ધપાવવા ફૂલચંદભાઈ શાહ અને શિવાનંદજી 31 માર્ચ, 1931ના રોજ મોરબી પહોંચ્યા હતા. પરંતુ રાજ્યની પોલીસે બંનેની ધરપકડ કરી હદપાર કર્યા બાદ જડેશ્વરના જંગલમાં છોડી દીધા હતા.
સત્યાગ્રહીઓ પર દમનની ખબર પડતાં ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને મોરબી મોકલ્યા હતા.
13 એપ્રિલ, 1931ના રોજ વઢવાણથી મોરબી પહોંચેલા 45 સત્યાગ્રહીઓ સાથે સ્થાનિક પોલીસે મારપીટ કરી હતી. મોરબીના મહાજન દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે સફળ રહ્યા નહોતા. રાજ્યના અત્યાચારોના વિરોધમાં વૈદ્ય લક્ષ્મીશંકરે ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ હળવદથી આવેલા સત્યાગ્રહીઓ પર પણ હન્ટર વડે માર મારવામાં આવ્યો હતો. સતત વધતા સંઘર્ષ વચ્ચે 15 એપ્રિલ, 1931ના રોજ સમાધાન થયું હતું. આ સમાધાન બાદ લોકોને સ્વદેશીનો પ્રચાર કરવાની અને પરદેશી માલનો બહિષ્કાર કરવાની છૂટ આપવામાં આવી હતી. જો કે, સત્યાગ્રહીઓની હદપારી, ધરપકડ તેમજ લાઠી અને હન્ટર વડે માર મારવા જેવી કાર્યવાહીની માહિતી મહાત્મા ગાંધી સુધી પહોંચતાં તેમણે મહાદેવભાઈ દેસાઈને મોરબી મોકલ્યા હતા. મહાદેવભાઈના પ્રયાસોથી બંને પક્ષો વચ્ચે ફરી સમાધાન થયું હતું અને જુલાઈ 1931માં સત્યાગ્રહનો અંત આવ્યો હતો.
ગાંધીજીએ મોરબીના રાજા અને સત્યાગ્રહીઓને બિરદાવ્યા
મોરબીના સત્યાગ્રહના સમાધાન બાદ મહાત્મા ગાંધીએ 19 જુલાઈ, 1931ના રોજ ‘નવજીવન’માં લેખ લખ્યો હતો. તેમાં તેમણે સમાધાન માટે મોરબીના રાજા અને સત્યાગ્રહીઓ બંનેને શાબાશી આપી હતી. આમ, મોરબી સત્યાગ્રહનું નામ માત્ર મોરબીમાં થયેલા સ્વદેશી કાપડના બહિષ્કારના આંદોલન પરથી જ નહીં, પરંતુ સ્વદેશી પ્રચારના અધિકારથી શરૂ થઈને જાહેર સભા, પ્રાર્થના અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે રજવાડી સત્તા સામે ચાલેલા સંઘર્ષ સાથે જોડાયેલું છે. વર્ષ 1931માં મોરબીની ધરતી પર થયેલો આ અહિંસક સંગ્રામ સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.