Thursday - Jul 02, 2026

મોરબી મનપામાં સર્વર ઠપ્પ : જન્મ મરણના દાખલા કઢાવવામાં લોકોને આકરી કસોટી

મોરબી મનપામાં સર્વર ઠપ્પ : જન્મ મરણના દાખલા કઢાવવામાં લોકોને આકરી કસોટી

રોજ 150ને ટોકન વચ્ચે સર્વર એકદમ ધીમું કે ક્યારેક સાવ બંધ થતાં લોકોને ત્રણથી ચાર દિવસના ધક્કા

(રવિ બરાસરા,મોરબી) : મોરબી મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં લાંબા સમયથી સતત સર્વર ડાઉનની ગંભીર સમસ્યા સર્જાય છે. છેલ્લા છ મહિલાથી એક દિવસ પણ સર્વર વ્યવસ્થિત રીતે ચાલ્યું નથી. સર્વર યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી નેટ કનેક્ટિવિટી ખોરવતા જન્મ મરણ દાખલા માટે રોજ લાંબી લાઈનો લાગે છે. પણ આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી એટલું જ નહીં ત્રણ ત્રણ ધક્કા થાય તો પણ જન્મ મરણના દાખલા ન નીકળતા લોકો દરરોજ ધક્કે પે ધક્કા ખાઈને મનપાના પગથિયાં ઘસી રહ્યા છે.

નગરપાલિકામાંથી મહાપાલિકા બનતા મનપાનો હદ વિસ્તાર વધ્યો છે. મનપમાં શહેર ઉપરાંત સાત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સમાવિષ્ટ કરાયા છે. આથી વિસ્તારો વધવાથી લોકોનો ધસારો રોજ વધતો હોય 150 ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજ 10-30ની આસપાસ 150 ટોકન વિતરણ કરી દેવાય છે. જો લોકો સમયસર ન પહોંચે તો ટોકન મળતા નથી. ટોકન ન મળે એના માટે ય ધક્કા થાય અને ઉપરથી સર્વર ડાઉનને લીધે પણ ધક્કા થતા હોવાથી લોકોની મુશ્કેલી બેવડાઈ છે. મનપાના જન્મ મરણ વિભાગના દાખલા કઢાવવા આવતા લોકોએ હૈયાવરાળ ઠાલવી હતી કે, અડધી કલાકમાં જ 150 ટોકન ખલાસ થઈ જતા હોય બે ધક્કે તો ટોકન મળે છે. પણ લાઈનમાં આખો દિવસ ઉભું રહેવાનું, માંડ માંડ વારો આવ્યો હોય ત્યાં સર્વર ડાઉનની મોટી ઉપાધી સર્જાઈ છે. એટલે જન્મ મરણના દાખલા કઢાવવામાં ત્રણ ચાર ધક્કા તો પાકા જ. આટલા ધક્કા ખાધા પછી પણ દાખલા નીકળતા નથી. એટલે મજૂરી કરનાર મોટાભાગના વર્ગોને ત્રણ ચાર દિવસની રજા રાખવી પડે છે.

આજે ત્રીજે ધક્કે પણ કામ ન થયું

હમણાં મારા પુત્રના ઘરે પૌત્રીનો જન્મ થયો હોવાથી ઘરમાં ખુશીનો માહોલ છે. પણ પૌત્રીના જન્મનો દાખલો કઢાવવા મારે જે તકલીફ ભોગવવી પડી રહી છે. એ પાર વગરની છે. હું અને મારો પુત્ર કારખાનામાં મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. અમે સામાન્ય શ્રમજીવી વર્ગ હોવાથી કામમાં રજા રાખવી પરવડે એમ નથી. છતાં એક અઠવાડિયામાં જન્મનો દાખલો કઢાવવા ત્રણ કે ચાર દિવસની રજા રાખવી પડી છે. પહેલા ટોકન મેળવવા બે ધક્કા થયા બાદ આજે ટોકન મળતા છેક 124મો વારો આવ્યો હતો. આખો દિવસ ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ વારો ન આવ્યો અને ત્રીજો ધક્કો પણ માથે પડ્યો. આથી મારા જેવા અનેક લોકો હેરાન ન થાય તેવી તંત્રએ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

- નરેશભાઈ ચાવડા, અરજદાર

જુના ડેટા ટ્રાન્સફરની પ્રોસેસ ચાલુ હોવાથી સર્વર ઠપ્પ થવાની સમસ્યા સર્જાય

જન્મ મરણ વિભાગમાં ક્યારેક સર્વર ચાલવા લાગે તો ક્યારેક ધીમું અને ક્યારેક બંધ પડી જાય છે. આજે સવારથી સર્વર ડાઉન થઈ ગયું હતું. જેમાં નેશનલ કક્ષાએથી જુના ડેટા ટ્રાન્સફરની પ્રોસેસ ચાલુ છે. જુના પોર્ટલના ડેટા નવા પોર્ટલમાં અપડેટ થતા હોય લોડિંગ વધતા સર્વર ડાઉન થવાની સમસ્યા ઉદભવી છે. સર્વર ડાઉન થઈ જતું હોય મર્યાદિત પ્રમાણમાં ન ટોકન આપીએ છીએ, જેથી લોકો કારણ વગરના હેરાન ન થાય. પણ હવે ટુક સમયમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે.

- રાહુલ કોટડીયા એમ.ઓ.એચ. જન્મ મરણ વિભાગ મનપા