જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈની અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસ-આપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયને ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી
મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના દિગજ્જ અને લડાયક નેતા તરીકેની આગવી ઓળખ ધરાવનાર કિશોરભાઈ ચીખલીયાએ અચાનક જ ફાની દુનિયા છોડી દેતા કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. આગામી મનપા સહિતની સ્થાનિક સ્વરાજ્યની તૈયારી અને ઉમેદવારોની પસંદગી માટે આગેવાનો ઘરે મંત્રણા કરી રહ્યા હોય એ દરમિયાન મેજર એટેકથી તેમનું નિધન થતા તેમના પરિવાર અને જિલ્લા કોંગ્રેસ પાર્ટી પર વ્રજધાત થયો હતો અને આજે તેમના નિવાસસ્થાનેથી લીલાપર રોડ પરના સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈની અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસ-આપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયને ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
સ્મશાન ખાતે હિન્દુ વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ બાદ તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. કિશોરભાઈ ચીખલીયા અગાઉ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા હતા. જ્યારથી તેમને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારથી તેમના નેતૃત્વમાં મોરબીમાં કોંગ્રેસ પાર્ટી વધુ સક્રિય અને મજબૂત બની હતી. તેઓએ હંમેશા ખેડૂતોના પ્રશ્નો, ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓ અને શહેરના વિવિધ પ્રશ્નોને વાચા આપીને તેને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના પ્રશ્ને સતત દોડતા રહેતા આ નેતાના નિધનથી મોરબીના સ્થાનિક રાજકારણના એક સૂરજનો અસ્ત થયો છે.
આ દુઃખદ સમયે તેમની અંતિમયાત્રામાં અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા, મોરબી જિલ્લા પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઓબીસીના રાષ્ટ્રીય સંયોજક અને જામનગર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
મનોજભાઈ કથીરિયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા અને તાલુકાના કોંગ્રેસ અને ભાજપના અનેક આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણીઓ, ઉદ્યોગકારો અને બહોળી સંખ્યામાં લોકોએ પણ સ્મશાન યાત્રામાં જોડાઈને તેમને અંતિમ નમન કર્યા હતા.