Saturday - May 02, 2026

મોરબીમાં બે દિવસથી સર્વર ડાઉન : 7/12 અને 8- અ ના દાખલા કઢાવવા માટે ધક્કે પે ધક્કા

મોરબીમાં બે દિવસથી સર્વર ડાઉન : 7/12 અને 8- અ ના દાખલા કઢાવવા માટે ધક્કે પે ધક્કા

કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ દાખલા ન નીકળતા ખેડૂતોને વીલા મોઢે પરત ફરવું પડ્યું

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં માવઠાને કારણે પાકોમાં વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોને વળતર આપવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોય પણ સહાય મેળવવા માટે 7/12 અને 8-અ જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી મોરબી તાલુકાના ખેડૂતો આ દાખલા કઢાવવા માટે ઇ-ધરા તાલુકા મામલતદાર કચેરીએ મોટા પ્રમાણમાં ધસારો કરી રહ્યા છે.પણ આ દાખલા કઢાવવામાં ખેડૂતોને ભારે હાડમારી વેઠવી પડે છે. આ મામલે આર.બી.ન્યુઝની ટીમે રિયાલિટી ચેક કરતા માલુમ.પડ્યું હતું કે, શહેરમાં આવેલી મામલતદાર કચેરીએ દસ્તાવેજો કઢાવવા ગ્રામ્ય વિસ્તારોમાંથી બીજા બધા કામો પડતા મૂકી ખેડૂતો વહેલી સવારથી જ આવી જાય છે અને લાંબી લાઈનમાં જોડાય જાય છે. ખેડૂતો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે. છતાં આ દાખલા નીકળતા નથી. જ્યારથી સહાયના ફોર્મ ભરવાનું શરૂ થયું છે ત્યારથી જ ટેક્નિકલ ખામી થવાથી સર્વર ડાઉન થઈ ગયું છે. સતત બે દિવસથી સર્વર ડાઉન છે.તેથી ખેડૂતોની પરેશાની વધી છે.  ખેડૂતોની કપરી પરિસ્થિતિ એવી છે કે, પહેલા તો ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ હવે પાકની નુકશાનીની સહાય મેળવવા જરૂરી દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાથી સમયસર કામ ન થતા નિરાશ થઈને વીલા મોઢે પરત જવું પડે છે. એટલે ખેડૂતોને ધક્કે પે ધક્કા ખાવા પડી રહ્યા છે.

સવારથી લાઈનમાં ઉભા હોય ક્યારે વારો આવે નક્કી નથી

મામલતદાર કચેરીમાં હાલ સહાય માટે મહત્વના ડોક્યુમેન્ટ 7/12 અને 8-અ કઢાવવા માટે ખેડૂતોની ભારે લાઇન લાગે છે. આ દાખલા કઢાવવા મામલતદાર કચેરીમાં સવારથી લાઈનમાં ઉભા છીએ. પણ ક્યારે વારો આવશે અને ક્યારે દાખલા નીકળે એ નક્કી નથી. કારણ કે સર્વર ડાઉન હોવાથી આ મુશ્કેલી સર્જાઈ છે. મારા જેવા કેટલાય બુઝુર્ગ ખેડૂતો લાઈનમાં ઉભા છે. પણ આજે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો ન આવે તો બીજા દિવસે ધક્કો ખાવાની નોબત આવે છે. મોટાભાગે તો સર્વર ડાઉન જ રહે છે.પણ ક્યારેક સર્વર ખૂબ જ ધીમું ચાલતું હોય થોડાક ખેડૂતોનો તો વારો આવે છે. આ મુશ્કેલી તંત્ર અને સરકાર વ્હેલાસર દૂર કરે તેવી મોરબીના જોધપર ગામના ખેડૂત રમેશભાઈએ ઉઠાવી છે.

સર્વર ડાઉનની સમસ્યા સત્વરે ઉકેલાય તેવા પ્રયાસો ચાલુ

ઇ ધરા મામલતદાર કચેરીમાં સહાય માટે જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે ખેડૂતો આવે છે. પણ સર્વર ડાઉનને લીધે ખેડૂતોને હાલાકી પડે છે. બે દિવસથી સર્વર ડાઉન છે. જેથી ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે.આથી આ સર્વર ડાઉનના પ્રશ્નનું સોલ્યુશન થાય એ માટે મામલતદારે કલેકટર કચેરીમાં જીશ્વાનના ઈજનેરને જાણ કરી છે. જો કે આ મોરબી એકની સમસ્યા નથી. આખા ગુજરાતમાં સર્વર ડાઉન છે. એટલે આ સર્વર ડાઉનનો પ્રશ્ન ઝડપથી ઉકેલાય તે માટે સક્રિય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પણ હવે પછી સરળતાથી 7/12 અને 8-અ ના દાખલા મળી રહે તેવી વ્યવસ્થામાં તંત્ર કામે લાગી ગયું છે તેવું નાયબ મામલતદાર હરેશ ચૌહાણે જણાવ્યું હતું.

મોરબીમાં બે દિવસથી સર્વર ડાઉન : 7/12 અને 8- અ ના દાખલા કઢાવવા માટે ધક્કે પે ધક્કા