હાઇકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં અદાણી કંપનીના ત્રાસથી ઝેરી દવા પી લેવાનું કહીને લાપતા થતા તંત્રમાં ભારે દોડધામ
મોરબી : મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં હેવી વીજ લાઇન પસાર કરવા દેવાના વિવાદિત ગેઝેટ સામે ગામે ગામથી ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા હોય અને આ સમગ્ર મામલો હાઇકોર્ટેમાં પહોંચ્યો હોવા છતાં અદાણી કંપનીના માણસો કલેકટરમાં નામે પોલીસને સાથે રાખી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી મહાકાય થાંભલા નાખતા કંપનીનો આ ત્રાસ સહન ન થતા મોરબીના પીલુડી ગામનો ખેડૂત પરિવાર કંપનીના ત્રાસથી આત્મઘાતી પગલું ભરી લેવા અંગે વિડીયો વહેતો કરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.
મોરબી જિલ્લામાં લાકડીયા વીજ લાઇન બાદ હાલમાં અદાણી કંપની દ્વારા માળીયા મિયાણા પંથકમાં હેવી વીજ લાઇન નાખવા માટે મનમાની શરૂ કરવામાં આવતા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. જો કે, આમ છતાં કાયદાની ઐસી તૈસી કરી હાલમાં ગેજેટમાં માળીયા તાલુકામાં મોરબીના ગામો દર્શાવી બળજબરીથી વીજ લાઈનો ખેંચવામાં આવી રહી છે.
અદાણી કંપનીની મનમાની સામે મોરબી તાલુકાના પીલુડી ગામના રામદેવસિંહ સબળસિંહ જાડેજા સહિતના ખેડૂતો હાઇકોર્ટમાં ધા નાખી કંપનીની મનમાની સામે ન્યાય માંગ્યો છે. જેમા આગામી તા.24મી ડિસેમ્બરે હાઇકોર્ટેમાં જવાબ સાથે હાજર રહેવા આદેશ કરાયો છે. જો કે, હાઇકોર્ટમાં વિવાદ ચાલુ હોવા છતાં કંપનીએ ખેડૂતો પર ટોર્ચર ચાલુ રાખતા સોમવારે પીલુડી ગામના ખેડૂત રામદેવસિંહ જાડેજા વીડિયો બનાવી પરિવાર સાથે લાપતા બન્યા છે.
અદાણી કંપનીની દાદાગીરી સામે અંતિમ પગલું ભરવાનો વીડિયો જાહેર કરનાર રામદેવસિંહ કારમાં પોતાના પુત્ર સાથે કેમેરા સામે દર્શાય છે જેમાં તેઓ કહે છે કે અમે થાકી ગયા છી આ અદાણી કંપનીથી, અમને બચાવો... અમને બચાવો... હવે આ કંપનીની દાદાગીરી સામે અમે જીવી શકીએ તેમ નથી. હવે અમારે મોત જોઈએ છે. અત્યારે મારા પુત્રને સ્કૂલેથી તેડવા આવ્યો છું. હવે મારા બીજા પુત્રને લઈ પત્ની સાથે દવા પી લેવી છે. તેમ કહી રામદેવસિંહ કારમાં પડેલ દવાની એક બોટલ બતાવી અંતિમ પગલું ભરી લેવાનું જણાવી વીડિયો પરિચિત લોકોને મોકલ્યો છે. આ વીડિયો બનાવ્યા બાદ હાલમાં રામદેવસિંહ લાપતા બની જતા ભારે હલચલ મચી ગઇ છે.