Monday - Apr 20, 2026

મોરબીના વરિષ્ઠ નાગરિકે પુલ ઉપર દરરોજ પાણીના કુંડા મુકી અબોલ પક્ષીની સેવામાં જીવન સમર્પિત કર્યું

મોરબીના વરિષ્ઠ નાગરિકે પુલ ઉપર દરરોજ પાણીના કુંડા મુકી અબોલ પક્ષીની સેવામાં જીવન સમર્પિત કર્યું

 મોરબીના પુલ ઉપર અત્યારે ખરા બપોરે એટલે ધોમધખતા તાપમાં માથે અને મોઢે ગમછો ઓઢી અને માથે ટોપી પહેરી પુલ ઉપર આમ તેમ આટા મારતા એક વરિષ્ઠ નાગરિકને દૂરથી જુઓ તો તમે તેમને પાગલ ન સમજી બેસતા, કારણ કે આ વરિષ્ઠ નાગરિક એટલે મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય પ્રવીણભાઈ રજોડિયા (વાણદ) પુલ ઉપર અત્યારે આગ ઝરતી ગરમીમાં મોરબીના પુલ ઉપર પાણીના કુંડા મૂકી દરરોજ ઘરેથી શુદ્ધ પાણી લાવી આ કુંડામાં પાણી નાખીને અબોલ પક્ષીઓને પીવડાવે છે. તેઓ કહે છે કે, પહેલા આજીવિકા માટે વાણદનું કામ કરતા પણ હવે ઉંમર થઈ ગઈ હોય એટલે કોઈ બાલ દાઢી કરાવવા આવતા ન હોય એટલે નિવૃત થતા વાતોના ગપાટા મારવા કરતાં કોઈક માટે સારું કામ કરી તો જીવન ધન્ય બની જશે તેવું વિચારીને તેઓ એક બાઇકમાં છેલ્લા ચારથી વર્ષથી મોરબીના લખધીરસિંહજીના સ્ટેચ્યુથી પુલ ઉપર આશરે એકાદ કિમિ સુધી આવીને આ જગ્યાએ પાણીના કુંડા મુકી ઘરેથી લાવેલું શુદ્ધ પાણી કુંડામાં નાખી પક્ષીઓને પાણી પીવડાવે છે. તેમજ બીજી સેવ જેવી વસ્તુઓ પણ પક્ષીઓના ચણ માટે નાખે છે. આ અંગે તેઓ કહે છે કે, આ સેવાની લગની એવી લાગી છે કે, આ કાર્ય કરવામાં ક્યારેય આળશ બાધારૂપ બની નથી. તેઓ બાઇક સાથે 65 લીટર જેટલું પાણી ઘરેથી લાવીને 4 કલાક સુધી આ સેવા કર્યા કરે છે. જો કે ક્યાંય કોઈને પ્રસંગે જવાનું હોય તો ઘરના અન્ય સભ્યોને મોકલી દે છે, પણ બપોરે અઢી વાગ્યે આ સેવા કરવાનું ક્યારેય ચુકતા નથી. ઘણીવાર ઘરના સભ્યો એમ કહે કે આવા ધોમધખતા તાપમાં ન જવાય માદા પડી જશો તો તેના જવાબમાં આ દાદા હસીને કહે છે કે, તેઓ હવે અબોલ પક્ષીઓની સેવા કરવાની લગની એવી લાગી છે કે,  જ્યાં સુધી પક્ષીઓને પાણી ન પીવડાવે ત્યાં સુધી તમને જરાય આત્મ સંતોષ થતો નથી. એટલે આ કાર્ય ન કરું તો મને જીવવું જરાય ગમે એમ નથી.સેવા જ મારું અંતિમ લક્ષય થઈ ગયું છે.તેવું તેમણે જણાવ્યું હતું.
 

મોરબીના વરિષ્ઠ નાગરિકે પુલ ઉપર દરરોજ પાણીના કુંડા મુકી અબોલ પક્ષીની સેવામાં જીવન સમર્પિત કર્યું

પ્રવીણ દાદાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી આ સેવા કાર્ય કરું છું પણ વચ્ચે એક વખત એક ગઠિયાએ ધાર્યું નિશાન પાર પાડ્યું હતું. તેઓ પાણીના કુંડામાં ચાલી ચાલીને પાણી ભરવા અને પક્ષીઓને દાણા -ચણ નાખવાની સેવા પ્રવૃત્તિમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમને સ્થળ અંગેનું ક્યારેય ભાન રહેતું નથી. આ તકનો લાભ લઇ એક દિવસ આવારા તત્વો તેમનું કિંમતી બાઇક ઉઠાવી ગયા હતા. તેમ છતાં પણ આ દાદાએ તેની ઉપર કડવાશ રાખી ન હતી અને બીજા જ દિવસે બીજું બાઇક લઈને સેવા કરવા લાગી ગયા અને જે છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.

પગે લાલબત્તી દેખાડી દીધી

પ્રવીણ દાદા કહે છે કે, તેમની ઉંમર થઈ ગઈ હોય એટલે હવે પગે પણ લાલબત્તી બતાવી દીધી છે, પાછું ડાયા બિટિસ પણ હોય, અને ઢીંચણેથી ઢાકણી ખલાસ ગઈ હોય અને ખાલી જગ્યા હોવાથી પાટો બાંધ્યો છે. આથી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે. પણ મેં ઓપરેશન કરવાની ના પાડી એટલે ડોક્ટરે ચાલવા જવાની મનાઈ કરી હોવાથી સવારે જે વોકિંગ કરવા જતાં હોય એ કાર્ય બંધ કરીને આ સેવા કાર્ય ચાલુ કર્યું છે.

215 કુંડા રોજ પાણીથી ભરે છે.

પુલ ઉપર અને આજુબાજુમાં 215 જેટલા પક્ષીઓની પ્યાસ બુઝાવવા માટેના કુંડા મુક્યા હોય દરરોજ આ દાદા ઘરેથી પાણી લાવીના આટલા કુંડા ભરે છે. શરીરમાં એક પગે જવાબ આપ્યો હોય પણ છતાં છેલ્લી ઘડી સુધી પક્ષીઓની આ રીતે બપોરના અઢી વાગ્યાથી સેવા કરે છે. એમાં ક્યારેય રજા રાખતા નથી અને પાંચ કલાક જ નિર્દર કરે છે. મોટાભાગનો સમય આ સિવાયના અન્ય સેવા કાર્યમાં જ વિતે છે.

કુંડાની દરરોજ સફાઈ કરે છે.

પ્રવીણ દાદા કહે છે કે, દરરોજ એક ને એક કુંડામાં પાણી નાખતા હોય ત્યારે પાણીમાં લીલી સેવાળ જામી જાય છે.આપણે શુદ્ધ પાણી પીવાનું હોય તો પક્ષીઓ કેમ આવું અશુદ્ધ પાણી પી શકે. એટલે દરરોજ પહેલા કુંડાની સફાઈ કરે છે અને પછી જ નવેસરથી કુંડામાં પાણી ભરે છે. જો કે આ પુલ ઉપર હજારો લોકો પસાર થાય છે  અને સાંજે પણ અનેક લોકો પુલ ઉપર હવા ખાવા એકઠાં થાય છે. છતાં આમાંથી એકેયને પણ પક્ષીઓની સંવેદના જાગૃત ન કરી શકી ? એ દુઃખ ની વાત છે એવું કેહવુ છે એમનું.

મોરબીના વરિષ્ઠ નાગરિકે પુલ ઉપર દરરોજ પાણીના કુંડા મુકી અબોલ પક્ષીની સેવામાં જીવન સમર્પિત કર્યું