નિર્શિવ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત સેમિનારમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ મહિલાઓને મૂંઝવતા પ્રશ્નો અંગે આપશે સચોટ માહિતી
મોરબી : મોરબીની 35 થી વધુ ઉંમરની મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે 'નિર્શિવ ફાઉન્ડેશન' દ્વારા આગામી 11 જુલાઈ 2026, શનિવારના રોજ બપોરે 4 થી 6 વાગ્યા સુધી સંસ્કાર હોલ, GIDC, શનાળા રોડ, મોરબી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. "જીવનનો નવો પડાવ: મેનોપોઝમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય" વિષય હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા અને 30 વર્ષથી વધુ સમયથી કાર્યરત સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન આપશે.
નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક આરતી રોહન અને રોહન રાંકજાના જણાવ્યા મુજબ, મહિલાઓના જીવનમાં મેનોપોઝ (ઋતુનિવૃત્તિ) એ એક કુદરતી અને અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ બદલાવોને કારણે હોટ ફ્લેશ, ઊંઘની સમસ્યાઓ જેવા શારીરિક ફેરફારો તેમજ તણાવ, ચીડિયાપણું અને ચિંતા જેવા માનસિક પડકારોનો પણ મહિલાઓએ સામનો કરવો પડે છે. જાગૃતિના અભાવે કે સંકોચના કારણે સ્ત્રીઓ આ વિષય પર ખુલીને વાત કરી શકતી નથી.
પરીસંવાદમાં ડૉ. હેમાબેન પટેલ મહિલાઓને મેનોપોઝના ફેરફારોને સરળતાથી સમજવા, માનસિક શાંતિ જાળવી રાખવા તેમજ આ તબક્કામાં પણ ચપળ અને ઊર્જાવાન રહેવા માટે કેવો આહાર અને કસરત અપનાવવી તે અંગે વિગતવાર માહિતી આપશે. આ ઉપરાંત સેમિનારના અંતે એક ખાસ પ્રશ્નોત્તરી સેશન (Q&A) રાખવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ડૉક્ટર સમક્ષ સીધા જ પૂછીને તેનું નિવારણ મેળવી શકશે. આ કાર્યક્રમ ફક્ત મહિલાઓ માટે જ આયોજિત કરવામાં આવ્યો છે.
આ સેમિનારમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારની તમામ મહિલાઓ માટે એન્ટ્રી તદ્દન મફત રાખવામાં આવી છે. જો કે, હોલની બેઠક ક્ષમતા મર્યાદિત હોવાના કારણે અગાઉથી સીટ બુક કરાવવી ફરજિયાત છે. સેમિનારમાં ભાગ લેવા અને નામ નોંધાવવા માટે આયોજક અદિતિ વિરમગામા (95866 13202) નો વહેલી તકે સંપર્ક કરવા જણાવાયું છે.