Wednesday - Jul 08, 2026

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાની પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાની પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ભરવાડ અને રબારી સમાજ દ્વારા 16 જુલાઈએ યોજાનાર મચ્છુ માતાજીની શોભાયાત્રામાં હૈયે હયું દળાઈ એટલી જનમેદની ઉમટી પડશે

મોરબી : મોરબીમાં પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વે કોઠાવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરવાડ અને રબારી સમાજના એકતાના પ્રતીક સમાન મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટ્ય દિન નિમિત્તે 16-7-2026, ગુરુવારના રોજ આ રથયાત્રા યોજાશે. મચ્છુ મિત્ર મંડળ સમસ્ત ભરવાડ સમાજ અને મહંત કિશનભગત દેવાભગત ગોલતર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રથયાત્રા સવારે 9:30 કલાકે મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા શેરી નં 17 થી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને દરબારગઢ સ્થિત કોઠાવાળા મચ્છુ માતાજી મંદિરે સંપન્ન થશે. શોભાયાત્રા દરમિયાન યુવક-યુવતીઓ દ્વારા દાંડિયારાસ, હુડો અને વિવિધ સાંસ્કૃતિક રમતોની રમઝટ બોલાવવામાં આવશે. ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ, મનીષાબેન ભરવાડ, સંજયભાઈ ભરવાડ અને કૌશિક અલગોતર દ્વારા રાસની રમઝટ પીરસવામાં આવશે.

ભવ્ય શોભાયાત્રામાં અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવશે. જેમાં ઝાઝાવડાદેવ-ગ્વાલીનાથ મહાદેવ ગામ થરા (બનાસકાંઠા) ની પરમગુરુગાદીના 1008 મહામંડલેશ્વર ધર્મધુરંધર ઘનશ્યામપુરીજી શિવપુરીજી મહારાજ, ઠાકર મંદિર વેજલપરના મહંત દેવાભગત સુરાભગત ગોલતર, પ્રેરણા સ્ત્રોત ગાંડુભગત બિજલભગત ગોલતર, રાણાબાપા આશ્રમ માથકના રતનપુરીજી કેદારપુરીજી, પાપનાસણા ઠાકર મંદિર તરણેતરના રોહીતપુરીજી હાજરી આપશે.

આ પ્રસંગે મહાઆરતી, મહાપ્રસાદ અને ડાક-ડમરુનો કાર્યક્રમ પણ યોજાશે. તારીખ 16-07-2026 ના રોજ સાંજે 7:00 કલાકે મહા આરતી યોજાશે, જેનું લાઈવ પ્રસારણ શક્તિ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર પ્રવિણભાઈ ધ્રાંગીયા દ્વારા કરવામાં આવશે. રાત્રે 10:00 કલાકે મચ્છુ બારી, દરબારગઢ સ્થિત મચ્છુ માતાજીના મંદિરે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. જેમાં ડાક કલાકાર સંજયભાઈ બુધેલ રમઝટ બોલાવશે અને તમામ બાનાધારી ભુવાઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

રથયાત્રા અને દર્શનાર્થીઓ માટે વિવિધ દાતાઓ દ્વારા ચા-પાણી, શરબત, છાશ અને ફરાળી મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપ્રસાદના રસોયા તરીકે નાગજીભાઈ લખમણભાઈ ઘોડાસર સેવા આપશે.

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાની પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન