નવરાત્રી દરમિયાન એસપીના માર્ગદર્શન હેઠળ તમામ ગરબી વિસ્તારોમાં 700 જેટલા પોલિસ કર્મીઓનું સતત પેટ્રોલિગ રહેશે
મોરબી : મોરબીમાં આજથી શરૂ થઈ રહેલા નવરાત્રીના મહાપર્વમાં બહેનો અને બાળકોની સુરક્ષા અને સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસે તમામ તૈયારીઓ આટોપી લીધી છે. પોલીસે નાની મોટી તમામ ગરબીના આયોજકો સાથે ખાસ બેઠક યોજી સરકારે નવરાત્રી નિમિતે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી અન્યથા ભંગ બદલ કાર્યવાહી માટે તૈયાર રહેવાની તાકીદ કરી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગરબીના તમામ આયોજકો સાથે મીટીંગ કરી નવરાત્રી દરમિયાન સરકારના ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેની વિગતવાર ચર્ચા કરી કંઈપણ અનહોની થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.ખાસ કરીને નવરાત્રીમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા મહત્વની હોવાથી બહેનોની સુરક્ષા માટે જે તે પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની સી ટીમને ખાસ જવાબદારી સોંપવામાં આવી છ અને સી ટીમ તમામ ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે સતત પેટ્રોલીગ કરશે, ક્યાંય પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સી ટિમ ખડેપગે રહેશે વધુ ભીડ ધરાવતા નાના મોટા ગરબીના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવી અને ટ્રાફિક ન થાય તેની પણ તકેદારી રખાશે.જિલ્લા કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ઉપર પણ પોલીસની ચાંપતી નજર રહેશે. નવરાત્રી દરમિયાન આવારા તત્વોનો કોઈ બદઈરાદો પાર ન પડે તે માટે પોલીસ ખાનગી વેશમાં તકેદારી રાખશે. એકંદરે મોરબી જિલ્લામાં નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સુરક્ષા માટે એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 700 કર્મીઓ ફરજ પર હાજર રહેશે.