Thursday - Jun 18, 2026

મોરબી જિલ્લામાં 18મીએ શાળા પ્રવેશોત્સવ : ધો.1માં 10650 ભૂલકાંઓને અપાશે પ્રવેશ

મોરબી જિલ્લામાં 18મીએ શાળા પ્રવેશોત્સવ : ધો.1માં 10650 ભૂલકાંઓને અપાશે પ્રવેશ

આંગણવાડીમાં 4268, બાલવાટિકામાં 9108, ધો.9માં 6580 અને ડ્રોપ આઉટ 662 બાળકોને પ્રવેશ અપાશે

(અશ્વિનભાઈ રાઠોડ "સ્વંયમ્'ભુ") : મોરબી સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં હમણાં જ  ઉનાળુ વેકેશન પૂરૂ થઈ ગયું છે અને શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રતિ વર્ષ મુજબ નવા શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં સંખ્યા વધારવા અને અધવચ્ચે શાળા છોડી ગયા હોય એવા બાળકોને ફરી શાળામાં ભણવા બેસાડવા અને ખાસ ધો.1 એટલે પ્રથમ વર્ગમાં નવા બાળકોને પ્રવેશ આપવા 18 જૂનથી મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 18 થી 20 જૂન સુધી યોજાનાર આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી, સચિવ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ આપી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરશે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં વેકેશન દરમિયાન ગાંધીનગરથી શિક્ષણ વિભાગ તરફથી પ્રવેશોત્સવ માટે ટાર્ગેટ પૂરો કરવા પરિપત્ર પાઠવીને આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ધો.1 માટે નવા બાળકો શોધવા તેમજ બાલવાટિકા અને આંગણવાડી ઉપરાંત ખાસ ડ્રોપ આઉટ થયેલા એટલે કે ધો.8 સુધી પ્રાથમિક શાળા સુધી ભણીને બાળકો સામન્ય વર્ગના હોય એટલે આર્થિક સ્થિતિ કે ઘરના નાના ભાઈ બહેનોને સાચવવા કે કદાચ મજૂરી કામ માટે આગળ અભ્યાસ છોડી દીધો હોવાથી આ બાળકોએ ધો.8 પછી ધો.9માં પ્રવેશ લીધો ન હોવાનો ડેટા સીધો જ ગાંધીનગર દેખાતા આ ડ્રોપ આઉટ બાળકોને શોધીને તેમને તથા તેમના વાલીઓને સમજાવીને ફરી શાળામાં બેસાડવા માટે શિક્ષકોને જવાબદારી સોંપી દેવાય હતી. તેથી ઉપરોક્ત ધોરણ વાઇઝ બાળકોને શોધવા દરેક શિક્ષકો તેમના કાર્યક્ષેત્રમાં ઘરેઘરે ફરીને સર્વે કરીને આ તમામ બાળકોની માહિતી એકત્ર કરીને શાળા પ્રવેશોત્સવ માટે તૈયાર કરી દેવાયા હોવાથી હવે મોરબી જિલ્લામાં 18 જૂનથી ત્રણ દિવસ સુધી ધો.1માં 10650 બાળકોને પ્રવેશ અપાશે. તેમજ આંગણવાડીમાં 4268, બાલવાટિકામાં 9108, ધો.9માં 6580 અને ડ્રોપ આઉટ થયેલા 662 બાળકોને ધો.8માંથી 9માં તેમના વિસ્તારની નજીકની માધ્યમિક શાળામાં પ્રવેશ અપાશે.

શાળાઓમાં માત્ર 20 ટકા જ શિક્ષકોની હાજરી  !

1 જૂનથી વસ્તી ગણતરી શરૂ થયાના થોડા સમય બાદ ઉનાળુ વેકેશન પૂરું થતા શાળા શરૂ થઈ હતી. હવે શિક્ષકોને સવારથી ઘરેઘરે ફરીને વસ્તી ગણતરીમાં 1 હજારથી વધુ ઘરોની કામગીરી કરવાની હોવાની વચ્ચે શાળાઓ શરૂ થતાં શિક્ષકો બે કામગીરી એકસાથે કેવી રીતે કરી શકે ? તે મુદ્દે શિક્ષકોએ આવેદનો આપ્યા હતા. આથી કલેકટરે ઓન ડિયુંટી એટલે શિક્ષકોને હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી કરવાનો આદેશ આપતા શાળાઓમાં હાલ આશરે 20 ટકા જેટલા શિક્ષકોની હાજરી છે. આ રીતે ક્યાંથી ભણે ગુજરાત ? તેવા સવાલ ઉઠ્યા છે. ઉપરથી હવે શાળા પ્રવેશોત્સવમાં ઉપરોક્ત નવા બાળકોને પ્રવેશ આપવાના હોય પણ વર્ગખંડમાં શિક્ષકો ઓછા હોય બાળકોને ભણાવશે કોણ ? તેવી ગંભીર સ્થિતિ ઉદ્દભવી છે.

આખા ગામમાં ગાડા શણગારીને ધામધૂમથી પ્રવેશોત્સવ ઉજવાયો હતો

વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ મોદીએ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અમલમાં મુક્યો હતો. ત્યારે ખાસ તો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓમાં 21થી 22 ટકા ડ્રોપ આઉટ હતો. એટલે કે આટલા ટકા બાળકો શાળાએ આવતા ન હોવાથી આ લોકોમાં પોતાના બાળકોને ભણાવવા માટે જાગૃતિ આવે તે માટે 2001થી આ શાળા પ્રવેશોત્સવ શરૂ થયા બાદ તે જ વર્ષે મોરબીના પાનેલી ગામે આખા ગામમાં ગાડા શણગારીને તેમાં બાળકોને બેસાડીને ભવ્ય રીતે પ્રવેશોત્સવ ઉજવાયો હતો.તેવું શિક્ષક દિનેશભાઇ વડસોલાએ જણાવ્યું હતું.