Tuesday - Jun 16, 2026

મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સોમવતી અમાસના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સોમવતી અમાસના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ

મોટા દહીંસરાના વિવેકાનંદ નગરમાં બીજા તબક્કાનો સેવાકીય કાર્યક્રમ યોજાયો: સ્કૂલબેગ, વોટર બોટલ અને નાસ્તા સહિતની કીટ અપાતા બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા.

મોરબી:- 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને સાર્થક કરતા મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા આજરોજ પાવન સોમવતી અમાસના પવિત્ર અવસરે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબ દ્વારા બીજા તબક્કા અંતર્ગત મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગર ખાતે જરૂરિયાતમંદ બાળકોને પ્રેરણાત્મક રીતે પૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમાસ તિથિ અને એમાંય સોમવારનો સંયોગ અત્યંત પુણ્યદાયી મનાય છે, ત્યારે આ શુભ અવસરને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યમાં પલટાવતા ક્લબના સભ્યો દ્વારા બાળકોના શિક્ષણને બળ આપતો આ પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો.

મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સોમવતી અમાસના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ

ક્લબ દ્વારા વિતરણ કરવામાં આવેલી કીટમાં બાળકોને અભ્યાસ માટે જરૂરી એવી તમામ વસ્તુઓ જેવી કે *સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, એક્ઝામ પેડ, પેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ તેમજ લંચ બોક્સ તથા વોટર બોટલ* આપવામાં આવી હતી. આ ઉપરાંત, શિક્ષણની સાથે બાળકોના પોષણને ધ્યાનમાં રાખીને તમામને હળવા નાસ્તાના પેકેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ સેવા યજ્ઞમાં શાળાના શિક્ષક  જે.બી. રાજ્યગુરુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ક્લબની આ સરાહનીય પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, "બાળકોના ઘડતરમાં આ પ્રકારની સંપૂર્ણ શૈક્ષણિક કીટ ખૂબ જ ઉપયોગી નીવડશે. સ્કૂલબેગથી લઈને વોટર બોટલ સુધીની તમામ વ્યવસ્થા એકસાથે કરી આપીને ક્લબે ગરીબ અને મધ્યમવર્ગીય વાલીઓ પરનો આર્થિક ભાર હળવો કર્યો છે."

આ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબના સંસ્થાપક પ્રમુખ અને એડવોકેટ મિતેષ દવેએ જણાવ્યું હતું કે, "સિક્કા અને ચલણી નોટોના અનોખા સંગ્રહની પ્રવૃત્તિની સાથે-સાથે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ જ અમારા ક્લબનો મુખ્ય ઉદ્દેશ છે. સોમવતી અમાસ જેવા પવિત્ર દિવસે બાળકોને માત્ર ચોપડા જ નહીં, પણ શાળાએ જવા માટેની સંપૂર્ણ કીટની સજ્જતા આપી શક્યા તેનો અમને વિશેષ આનંદ છે."
 

મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સોમવતી અમાસના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ

આ કાર્યક્રમમાં એડવોકેટ દર્શન દવે, યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરા, યુગભાઈ દવે તથા એડવોકેટ કપિલદેવ પંડ્યા સહિતના મહાનુભાવોએ ખાસ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ન્યુમિસમેટિક ક્લબ માત્ર ચલણના સંગ્રહ પૂરતું સીમિત ન રહેતા, સમયાંતરે દિવ્યાંગજનોને વ્હીલચેર કે સાધનોની સહાય, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને ગરીબ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ જેવી અનેકવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ સતત કરતું રહે છે.