Saturday - May 18, 2024

માળીયાના સરવડ ગામે ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતીને માર મારી લૂંટ ચલાવી

માળીયાના સરવડ ગામે ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતીને માર મારી લૂંટ ચલાવી

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં જાણે કાયદો અને વ્યવસ્થા જ હોય અને પોલીસની ધાક ઓસરી ગઈ હોય એમ બરોટોક બનીને તસ્કરોએ એક પછી એક ચોરીના બનાવોને અજામ આપતા હોવાની ઘટનાઓ વચ્ચે આજે માળીયાના સરવડ ગામે લૂંટની આધાતજનક ઘટના બહાર આવતા પોલીસ બેડા શરમજનક સ્થિતિ મુકાય ગયો છે. જેમાં માળીયા તાલુકાના સરવડ ગામે સરદાર નગર વિસ્તારમાં આજે વહેલી સવારે વદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર શખ્સોએ દંપતીને માર મારી લૂંટ ચલાવવાની સાથે સરવડ ગામમાં અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી તાળા તોડયાનું સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના સરવડ સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની જશુબેનના ઘરમાં આજે વહેલી સવારે સાડા ત્રણથી પોણા ચારેક વાગ્યાના અરસામાં ચાર લૂંટારુઓ ત્રાટકયા હતા. જો કે વૃદ્ધ દંપતી આજે વહેલી સવારે ભરનીંદરમાંથી જાગી લઘુશંકા કરવા જતા ઘરના ફળિયામા જતા જ ચાર લૂંટારુઓ સીધા જ ઘરમાં ઘુસી જતા લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીને માર મારતા આ દંપતી હેબતાઈ ગયું હતું. ચારેય લૂંટારુઓએ જશુબેન અને મગનભાઈ ઉપર હુમલો કરી જશુબેનના કાનમાંથી સોનાની બુટી, ઘરમાં પડેલા ચાંદીના પાંચ જોડી સાકળા અને રોકડા રૂપિયા 5000ની લૂંટ ચલાવી બાઇકની ચાવી અને મોબાઈલ પણ પડાવી અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી આ લૂંટારું ટોળકી ફરાર થઇ ગઇ હતી. ગામમાં લૂંટ અને ચોરીના બનાવને પગલે ગામલોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને લૂંટારુંઓની આટલી બધી હિંમત જોઈને ગામલોકોએ સ્થાનિક પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીગ સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે હજુ આ બનાવની ફરિયાદ નોંધાય ન હોય કુલ કેટલી લૂંટ-ચોરીનો સાચો આંક ફરિયાદ નોંધાયા બાદ જ જાહેર થશે.