જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતા ટીડીઓની દરખાસ્તના આધારે ડીડીઓની આકરી કાર્યવાહી
મોરબી : મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં આરોપી તરીકે તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયાને ઝડપી લીધા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતા માળીયાના ટીડીઓએ સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માટે ડીડીઓને દરખાસ્ત કરી હતી.આથી ડીડીઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તરઘરી ગામના સરપંચને હોદા ઉપરથી સસ્પેન્ડ કરવા માટેનો આદેશ કર્યો છે.
મોરબીના વજેપર આવેલ જમીન માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને જમીન કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ ગત તા.15/3/25 ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે ફરીયાદ નોંધાવેલ હતી જે ગુનામાં સરપંચની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. જેથી માળીયા મિયાણાંના ટીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
દરમ્યાન મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સમક્ષ કેસ ચાલી ગયો હતો જેમાં સાગર અંબારામભાઈ ફૂલતરીયા તરફથી કોઇ લેખિત રજૂઆત કે બચાવ અંગે આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથી તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાને સસ્પેન્ડ કરવા માટેનો ડીડીઓ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.