Friday - Oct 09, 2026

મોરબીમાં માતાની રોજેરોજની હેરાનગતિ બચવા પુત્રીએ ઘર છોડ્યું, અભયમ બની સહારો

મોરબીમાં માતાની રોજેરોજની હેરાનગતિ બચવા પુત્રીએ ઘર છોડ્યું, અભયમ બની સહારો

માતાના કથિત ગેરવર્તન, મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળીને યુવતી ઘરેથી નીકળી ગયા બાદ 181ની ટીમે કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે ફરી સુમેળ કરાવ્યો

મોરબી : મોરબીમાં માતાના કથિત ગેરવર્તન, મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળી યુવાન પુત્રીએ ઘર છોડ્યું હતું. આવી કપરી પરિસ્થિતિ ફરી એકવાર અભયમ ટીમ યુવતીનો સહારો બની હતી. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતા યુવતીએ માતા દ્વારા કથિત રીતે કરવામાં આવતા ગેરવર્તન, અપશબ્દો, મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળીને ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું. આથી અભયમની ટીમે યુવતીના પરિવારનો સંપર્ક કરી સમજાવટ અને માર્ગદર્શન આપીને તેનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

મોરબીની મયુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી એક અજાણી યુવતી બેઠી હોવાની જાણ અભયમ મહિલા હેલ્પલાઇન 181ની ટીમને થતા 181 અભયમની કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા અને પાયલોટ વિરમભાઈ જીડની સ્થળ પર દોડી ગઈ હતી અને યુવતી ગભરાયેલી હાલતમાં હોવાથી ટીમે તેને સુરક્ષિત જગ્યાએ બેસાડી વિશ્વાસમાં લીધી હતી. બાદમાં યુવતીનું નામ અને સરનામું પૂછતાં તે ખૂબ જ ગભરાયેલી જણાતી હોવાથી ટીમે પહેલાં સાંત્વના આપી વાતચીત કરતાં યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી.

મોરબીમાં માતાની રોજેરોજની હેરાનગતિ બચવા પુત્રીએ ઘર છોડ્યું, અભયમ બની સહારો

માતા ક્યારેક નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોવાનો આરોપ

યુવતીએ જણાવ્યું હતું કે, તે માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે એક કંપનીમાં રહે છે અને પરિવાર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. યુવતીના જણાવ્યા મુજબ, તેની માતા ક્યારેક નશીલા દ્રવ્યોનું સેવન કર્યા બાદ તેની સાથે ગેરવર્તન કરતી, અપશબ્દો બોલતી અને નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપતી હતી. એટલું જ નહીં, મારઝૂડ કરીને ઘરની બહાર નીકળી જવા કહેતી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ અપાવતી ન હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને તે ઘરેથી નીકળી ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું.

પુત્રી સાથે યોગ્ય વર્તન કરવા કડક ભાષામાં સમજાવ્યાં

યુવતી પાસેથી તેના પરિવારજનોનો ફોન નંબર મેળવવા ઉપરાંત તેણે જ્યાં પરિવાર સાથે રહેતી હતી તે કંપનીનું સરનામું મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ અભયમની ટીમ યુવતીને લઈને ત્યાં પહોંચી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બપોરના સમયે માતા-દીકરી વચ્ચે ઝઘડો થયા બાદ યુવતી ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અભયમની ટીમે યુવતીનાં માતા-પિતાને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. યુવતી સાથે ગેરવર્તન કે મારઝૂડ ન કરવા તેમજ તેની સાથે યોગ્ય વર્તન રાખવા કડક ભાષામાં સમજાવ્યાં હતાં. અંતે ટીમની સમજાવટ બાદ યુવતીનું તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.