Friday - Oct 09, 2026

મોરબીમાં બે અલગ બનાવમાં 9 વર્ષીય વિદ્યાર્થિનીનું અને વૃદ્ધનું મોત

મોરબીમાં બે અલગ બનાવમાં 9 વર્ષીય વિદ્યાર્થિનીનું અને વૃદ્ધનું મોત

વાઘપરામાં કલરકામ દરમિયાન નિસરણી પરથી વૃદ્ધ પટકાયા, રવાપરની ખાનગી શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડ્યા બાદ બાળકીનું મોત

મોરબી : મોરબીમાં બનેલા બે અલગ બનાવમાં કલરકામ કરી રહેલા 65 વર્ષીય વૃદ્ધ અને ખાનગી શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 9 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. વાઘપરા વિસ્તારમાં કલરકામ દરમિયાન નિસરણી પરથી નીચે પટકાયેલા વૃદ્ધને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ લઈ જવાયા હતા, જ્યારે રવાપર નજીકની શાળાની હોસ્ટેલમાં બેડ પરથી નીચે પડેલી વિદ્યાર્થિનીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. બંને બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી (ઉં.વ. 65) વાઘપરા વિસ્તારમાં મનસુખભાઈના ઘરે કલરકામ કરી રહ્યા હતા. આ દરમિયાન નિસરણી પરથી નીચે પડી જતાં તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતાં મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના રવાપર ગામ નજીક આવેલી નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી મૂળ સાયલા તાલુકાના ખીટલા ગામની રાજલ રાજાભાઈ ઝાપડિયા (ઉં.વ. 9) પોતાના બેડ પર બેઠી હતી ત્યારે નીચે પડી ગઈ હતી. આ બનાવ બાદ બાળકીને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નિવડતાં બાળકીનું મોત થયું હતું. આ બનાવની પણ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.