છેલ્લા 11 વર્ષથી પદયાત્રીઓને ગરમીમાં રાહત આપવા નિઃસ્વાર્થ ભાવે આઈસ્ક્રીમ વિતરણ કરી માતાજીની આરાધના કરતા યુવાનો
મોરબી : નવરાત્રીના પાવન પર્વે કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે. પદયાત્રીઓની આ અતૂટ શ્રદ્ધાને બળ પૂરું પાડવા અનેક સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો સેવા માટે આગળ આવતા હોય છે. ત્યારે ગોંડલ અને મોરબીના યુવાનો દ્વારા પદયાત્રીઓ માટે એક અનોખી અને મીઠી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
ગોંડલ યસ ગ્રુપ તેમજ મોરબીના ગ્રુપ ઓફ લાઇનબોય (પોલીસ પુત્ર) દ્વારા સંયુક્ત રીતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે આઈસ્ક્રીમ વિતરણની સુંદર સેવા ચલાવવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા અને ગરમીના કારણે થાકેલા શ્રદ્ધાળુઓને આ માર્ગ પર આઈસ્ક્રીમ ખવડાવીને રાહત અર્પણ કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે, ગોંડલ યસ ગ્રુપ અને મોરબીના પોલીસ પુત્ર દ્વારા છેલ્લા 11 વર્ષથી અવિરતપણે માતાના મઢના માર્ગો પર આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે.