હુસેની ચોક પાસે ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જમણા પગની સાથળે છરી ઝીંકી
મોરબી : માળિયા (મી) તાલુકાના વવાણિયા ગામમાં જૂના પ્રેમસંબંધના મનદુઃખને લઈ 18 વર્ષીય યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં હુસેની ચોક પાસે પંચરની દુકાન નજીક યુવાનને રોકી ઢીકાપાટુનો માર માર્યા બાદ ગાળો આપી છરી વડે હુમલો કરતા છરીનો ઘા જમણા પગની સાથળના ભાગે લાગતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મૂળ વવાણિયાનો અને હાલ આદિપુરના ડીસી-5 સોસાયટી, ઓસ્લો હાઇવે વિસ્તારમાં રહેતા યાસીન સલીમભાઈ સાઇચા (ઉં.વ.18)એ આ અંગે માળિયા તાલુકા પોલીસ મથકમાં નાસીર હાજીભાઈ સાઇચા અને ખાલીદ હાજીભાઈ સાઇચા, બંને રહે. ન્યુ નવલખી, માળિયા મિયાણા તથા જમીલ વાઢેર, રહે. મુન્દ્રા, કચ્છ સામે ફરિયાદ નોંધાવી છે. કે, યાસીનને આશરે બે વર્ષ અગાઉ નાસીર સાઇચાની મોટી બાપુની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતને લઈને આરોપીઓ સાથે મનદુઃખ ચાલતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન યાસીન વવાણિયા ગામના હુસેની ચોક નજીક પંચરની દુકાન પાસે હતો ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને જૂના સંબંધના મનદુઃખનો ખાર રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો.
બાદમાં ત્રણેયે ભેગા મળી યાસીનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન નાસીરે ગાળો આપી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને યાસીનના જમણા પગની સાથળના ભાગે છરીનો ઘા મારતાં તેને ઇજા પહોંચી હતી. ઘટનાબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ યાસીને માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસીર સાઇચા, ખાલીદ સાઇચા અને જમીલ વાઢેર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.