Friday - Oct 09, 2026

મોરબી જિલ્લામાં ટીબી નાબૂદી માટે ડોર ટુ ડોર સરવે, દર્દીઓને સચોટ માર્ગદર્શન

મોરબી જિલ્લામાં ટીબી નાબૂદી માટે ડોર ટુ ડોર સરવે, દર્દીઓને સચોટ માર્ગદર્શન

ટીબીનાં લક્ષણો અંગે લોકોને સમજણ આપી સારવાર અધૂરી ન છોડવાની હિમાયત કરી ટીબી મુક્ત ગ્રામ પંચાયતો અને નિશ્ચય મિત્રોને સન્માનિત કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં ક્ષય રોગ એટલે કે ટીબી નાબૂદીના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત આરોગ્ય ટીમના માધ્યમથી જનજાગૃતિ અને દર્દીઓ સાથે સંપર્કની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘર-ઘર સંપર્ક કરીને લોકોને ટીબીનાં લક્ષણો, સમયસર તપાસ અને નિયમિત સારવારના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. ટીબીનાં લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ તબીબી સલાહ મુજબ સારવાર પૂર્ણ કરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ટીબી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને રોગથી પીડિત વ્યક્તિઓ સાથે ભેદભાવ ન રાખવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન ટીબીમાંથી સાજા થયેલા દર્દીઓ, ટીબી મુક્ત જાહેર થયેલી ગ્રામ પંચાયતો અને દર્દીઓને સહાય પૂરી પાડતા નિશ્ચય મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દર્દીઓને ઉપલબ્ધ સહાય અને સારવાર અંગે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમની સાથે સંવાદ સાધવાની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને ભારત યુવા સ્વયંસેવકો જોડાયા હતા. વિવિધ માધ્યમો દ્વારા ટીબી અંગે માહિતી પહોંચાડવા અને લોકોને રોગનાં લક્ષણો ઓળખવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.