મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગોરીનંદન ગણેશ મહોત્સવ દરમિયાન લોકો ધાર્મિક માન્યતા મુજબ અલગ અલગ દિવસોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હોવાથી જાહેર સલામતીને ધ્યાને લઈને પાંચ સ્થળે મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જનની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મનપાના કમિશનરે ગણેશ વિસર્જનના સુચારુ આયોજનની વિગતો જાહેર કરી વ્યક્તિગત રીતે નદી, નાલા, તળાવ કે કોઇપણ સ્થળોએ ગણેશ વિસર્જનની મનાઈ કરી છે.
મોરબીમાં મોટાભાગના સ્થળોએ હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય એ દરમિયાન ગણેશ પંડાલોમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકમો યોજાઈ રહ્યા છે. ત્યારે લોકો દ્વારા જાતે જ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાની અમંગળ ઘટના ન બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જ પાંચ સ્થળોએ શહેરના દરેક વિસ્તારોમાંથી ગણેશની અલગ અલગ મૂર્તિઓનું કલેક્શન કરી સામુહિક રીતે વિસર્જનનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા તા.31 ઓગસ્ટને રવિવારે, 2 સપ્ટેમ્બરને મંગળવારે, 4 સપ્ટેમ્બરને ગુરુવારે, 6 સપ્ટેમ્બરને શનિવાર સુધી 8 ફૂટથી વધારે ઉંચી મૂર્તિઓના કલેક્શન-વિસર્જન પીકનીક સેન્ટર, શોભેશ્વર રોડ મોરબી-2 ખાતે તેમજ 8 ફૂટ કે એથી ઓછી ઉંચાઈની મૂર્તિઓના કલેક્શન વિસર્જનના સેન્ટર સ્કાય મોલ શનાળા રોડ મોરબી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ મોરબી, એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ વીસી ફાટક પાસે મોરબી, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી-2 ખાતે ઉપરોક્ત તારીખે સવારે 10થી રાત્રીના 8 સુધી ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન કરવામાં આવશે અને તમામ નાના મોટા ગણેશ મહોત્સવના આયોજકોને જાતે જ કોઈ નદી કે અન્ય જગ્યાએ વિસર્જન કરવું નહીં તેના બદલે ઉપરોક્ત પાંચ સ્થળે મનપાના કલેક્શન સેન્ટરમાં મૂર્તિઓ જમા કરી દેવા કમિશનર સ્વપ્નિલ ખરે તાકીદ કરી છે.