Thursday - May 21, 2026

ટંકારાના સરાયા ગામે પત્નીની હત્યા કરી પતિનું પણ વિષપાન

ટંકારાના સરાયા ગામે પત્નીની હત્યા કરી પતિનું પણ વિષપાન

ઝેરી દવા પી લેનાર પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. સરાયા ગામે વાડીમાં રહેતા એક શ્રમિકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

સરાયા ગામે અનિલભાઈ પટેલની વાડીમાં રહેતા લક્ષ્મણ કટીજાએ પોતાની પત્ની રૂકમા લક્ષ્મણ કટીજા (ઉંમર આશરે 40 વર્ષ) ની કોઈ અગમ્ય કારણોસર હત્યા કરી નાખી હતી. પત્નીને પતાવી દીધા બાદ પતિ લક્ષ્મણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ગંભીર ઘટનામાં પત્ની રૂકમાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક મહિલાની લાશનો કબજો મેળવી પીએમ અર્થે ટંકારા ખસેડી છે. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પતિ દ્વારા પત્નીની હત્યા અને ત્યારબાદ આપઘાતના પ્રયાસની આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે.