દીકરી ભગાડવામાં મદદ કર્યાની શંકા કરી સ્કોર્પિયોમાં ઉઠાવીને માર માર્યોનો 8 સામે ગુનો દાખલ
મોરબી : માળીયા મિયાણા તાલુકના મોટા દહીંસરા ગામે રહેતા અને સરવડ ગામે પાણીનું કારખાનું ધરાવતા યુવાનને મોટા દહીંસરા અને સોનગઢ ગામના આઠ શખ્સોએ તા.25ના રોજ દીકરીને ભગાડવામાં મદદ કર્યાની શંકાએ સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી ટ્રાન્સપોર્ટની ઓફિસે લઈ જઈ માર માર્યો હતો.જો કે, યુવકના અપહરણની જાણ થયા જ યુવકના પિતા અને અન્ય લોકો બનાવ સ્થળે પહોંચી યુવકને બચાવ્યો હતો.
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અને પાણીનું કારખાનું ચલાવતા કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ ઉ.37એ આરોપી કમલેશ બિરડા રહે.સોનગઢ, રમેશ હમીરભાઈ બરારિયા, વિનોદ રાણાભાઈ બરારિયા, મળુભાઈ બીજલભાઈ બરારિયા, હિતેશ મુળુભાઈ બરારિયા અને હિતેશભાઈ બરારિયાના બે સાળા સહિત કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી કિશોરભાઈના જણાવ્યા મુજબ તા.25ના રોજ સાંજના સમયે આરોપીઓ તેમના સરવડ ખાતે આવેલ કારખાને સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને આરોપીની દિકરીને ભગાડવામાં મદદ કર્યાનો આરોપ લગાવી કિશોરભાઈને બળજબરીથી બેસાડી દઈ વિશાલ રોડવેજની ઓફીસ દહીંસરા ખાતે લઈ જઈ ધોકા વડે બેફામ માર માર્યો હતો.જો કે, અપહરણ સમયે પાણીના કારખાને હાજર રહેલા સાહેદે અપહરણ અંગે કિશોરભાઈના પિતાને જાણ કરી દેતા કિશોરભાઇના પિતા તેમજ અન્ય લોકોએ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી કિશોરભાઈને મુક્ત કરાવ્યા હતા. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.