ગૌરક્ષકો અને હળવદ પોલીસે સંયુક્ત કામગીરી કરી 2 શખ્સોને ઝડપી લીધા, પશુઓને બચાવી પાંજરાપોળ મોકલાયા
હળવદ : કચ્છ તરફથી અમદાવાદ તરફ પશુઓને કતલખાને લઈ જતા એક આઇસર ટ્રકને ગૌરક્ષકો અને હળવદ પોલીસની ટીમે સરા ચોકડી પાસેથી ઝડપી પાડી 2 આરોપીને દબોચી લીધા છે અને 35 પશુઓને જીવતદાન આપ્યું છે.
તારીખ 9/5/2026 ને શનિવારની વહેલી સવારે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી એક આઇસર ટ્રક માળિયા થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે, જેમાં પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીને આધારે મોરબી અને હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, તેમજ કચ્છ અને ધાંગધ્રાના ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબનો GJ-27-TD-8780 નંબરનો ટ્રક આવતા ગૌરક્ષકોએ માળિયાથી તેનો પીછો કર્યો હતો. આરોપીઓએ ટ્રકને ફૂલ સ્પીડે ભગાડતા હળવદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી હળવદ પોલીસે સરા ચોકડી નજીક વોચ રાખીને આઇસર ટ્રકને કોર્ડન કરી રોક્યો હતો.
ટ્રકમાં તલાશી લેતા અંદરથી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા 35 પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 2 આરોપીની અટકાયત કરી હતી અને ટ્રક જપ્ત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ તમામ પશુઓને સલામત રીતે મહાજન પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા.