શહેરના મુખ્ય માર્ગો ઉપર ખડકાયેલા ટ્રાફિકને અડચણરૂપ દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું, નડતરરૂપ હોર્ડિંગ્સ અને કીઓસ્ક હટાવાયા
મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગોને મોકળા કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસ્ટેટ અને દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કાર્યવાહી હાથ ધરીને દબાણકર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
જાહેર માર્ગો પરથી ફેરિયાઓ અને દબાણો હટાવાયા
નાગરિકોની અવરજવર માટે સુવિધા રહે અને જાહેર માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તે માટે રામચોકથી ભક્તિનગર સર્કલ સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં માર્ગ પર દબાણરૂપ અને ટ્રાફિકને નડતરરૂપ ફેરિયાઓને દૂર કરી આખા વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો છે.
માત્ર દબાણો હટાવવા જ નહીં, પરંતુ નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. રામચોકથી ઉમિયા સર્કલ, સામા કાંઠે ગેંડા સર્કલ અને લાલ બાગની દીવાલ પાસે દબાણ કરનારાઓ પાસેથી દબાણ દંડની વસૂલાત કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પરવાનગી વગર ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદે કીઓસ્ક અને હોર્ડિંગ બોર્ડ પણ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. પાલિકાની આ કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.