ભારત સરકાર, નાણાં મંત્રાલય
નવી દિલ્હી, 9 મે 2026
વિષય: સોમનાથ મંદિરના "સ્વાભિમાન પર્વ" નિમિત્તે 75નો સ્મારક સિક્કો નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. તેવું જણાવામાં આવ્યું છે.
ભારત સરકારે સોમનાથ મંદિર સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધાના 1,000 વર્ષ અને સ્વતંત્ર ભારતમાં પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી રૂપે 75નો સ્મારક સિક્કો જારી કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા 8 મે, 2026ના રોજ આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
"મોરબીના યુવા એડવોકેટ અને મોરબી ન્યૂમિસમેટીક ક્લબના સંસ્થાપક મિતેશભાઇ દવેના અહેવાલ દ્વારા આ વિગતો પ્રાપ્ત થઈ છે."
સોમનાથ સ્વાભિમાન પર્વનું ઐતિહાસિક મહત્વ
આ રાષ્ટ્રીય ઉત્સવ 8 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન ઉજવાયો હતો. આ પર્વ બે ઐતિહાસિક સીમાચિહ્નોની યાદમાં ઉજવવામાં આવે છે:
ઈ.સ. 1026માં સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1,000 વર્ષ પૂર્ણ.
1951માં સ્વતંત્ર ભારતમાં પુનઃનિર્માણ બાદ મંદિર ફરી ખુલ્લું મૂકાયાના 75 વર્ષ પૂર્ણ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશની યાદ નથી, પણ સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને સભ્યતાગત આત્મ-સન્માનને શ્રદ્ધાંજલિ છે. સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, પરંતુ દર વખતે ભક્તોના સામૂહિક સંકલ્પથી પુનઃનિર્માણ થયું. આ અતૂટ ચક્રએ સોમનાથને ભારતની સાતત્યપૂર્ણ સભ્યતાનું શક્તિશાળી પ્રતીક બનાવ્યું છે."
સ્મારક સિક્કાની વિશેષતાઓ
વિગત વર્ણન
મૂલ્ય 75 રૂપિયા
ધાતુ શુદ્ધ ચાંદી (99.9%)
વજન 40 ગ્રામ
વ્યાસ 44 મિમી
કિનારી 200 દાંતા
સિક્કાની ડિઝાઇન
અગ્રભાગ: સિક્કાની વચ્ચે અશોક સ્તંભનું સિંહ શીર્ષ અને નીચે "सत्यमेव जयते" અંકિત છે. ડાબી બાજુ "भारत" અને જમણી બાજુ "INDIA" લખેલું છે. સિંહ શીર્ષની નીચે ₹ ચિહ્ન અને "75" અંક દર્શાવવામાં આવ્યા છે.
પશ્ચભાગ: સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ અને "સોમનાથ સ્વાભિમાન પર્વ" લખાણ અંકિત કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરનું મહત્વ:-
સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ છે અને ભારતની આધ્યાત્મિક ભૂગોળનો પાયો માનવામાં આવે છે. પ્રભાસ પાટણ, વેરાવળ પાસે સ્થિત આ મંદિર માત્ર પૂજા સ્થળ નથી, પણ ભારતની અતૂટ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. અહિલ્યાબાઈ હોલકર જેવા અનેક ભક્તોએ તેના પુનઃનિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
નોંધ: આવા સ્મારક સિક્કા કાયદેસરનું ચલણ ગણાય છે, પરંતુ તે સામાન્ય આર્થિક વ્યવહાર કે બજારમાં ચલણ તરીકે વાપરવા માટે હોતા નથી.