મોરબી : પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીમાં દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તારીખ 14/6/26 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી રાહત દરે વિવિધ વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોરબીમાં શનાળા રોડ પર, ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર નજીક યોજાશે.
ખેડૂત હાટમાં લોકોને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ઉપયોગી અનેક વસ્તુઓ એક જ સ્થળેથી રાહત ભાવે મળી રહેશે. જેમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઇન્ડોર-આઉટડોર પ્લાન્ટ્સ અને શોપીસ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત આરોગ્યપ્રદ અને ઓર્ગેનિક વસ્તુઓ જેવી કે હાથેથી ખાંડેલા દેશી ઓસડિયાનું ચૂર્ણ, આયુર્વેદિક દવાઓ, શુદ્ધ મધ, અગરબત્તી, ગૂગળ ધૂપ, ગાયનું ઘી, છાશનો મસાલો, ગોળ અને દેશી ખાંડ મળશે. જ્યારે એલોવેરા, લીમડો, તુલસી અને કેસૂડામાંથી બનાવેલા સાબુ-શેમ્પૂ, લાકડાની વિવિધ આઇટમો, ઘરે બનાવેલ ચ્યવનપ્રાશ અને સ્વદેશી કોફી સ્ક્રબ પણ રાહત દરે આપવામાં આવશે.
ગૃહિણીઓ માટે દેશી તાવડી, પાટિયા, માટી અને ફાઇબરના કુંડા, અડદ, મગ, ચોખા અને રાગીના પાપડ, ખાખરા તેમજ ખેડૂતો માટે ચોમાસું બિયારણ પણ વેચાણ અર્થે રાખવામાં આવશે. આયોજકો દ્વારા મુલાકાતીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સામાન લઈ જવા માટે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે નવરંગ નેચરલ ક્લબના પ્રમુખ વી ડી બાલા (9427563898) અને મોરબીના લવજીભાઈ પ્રજાપતિ (9925369465) નો સંપર્ક કરી શકાશે. મોરબીની જનતાને આ રાહતદરના વેચાણ કેમ્પનો મહત્તમ લાભ લેવા જણાવાયું છે.