Saturday - May 02, 2026

મોરબીના ચકચારી વજેપર જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ફુલતરિયા ઝડપાયો

મોરબીના ચકચારી વજેપર જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ફુલતરિયા ઝડપાયો

સીઆઈડી ક્રાઇમે  દિલ્હીથી દબોચ્યો, તા.1 સુધીના રિમાન્ડ પર, અત્યાર સુધીમાં પાંચ આરોપી ઝડપાયા

ભાસ્કર ન્યૂઝ મોરબી : મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં અંતે સીઆઈડી ક્રાઈમના સંકજામાં મુખ્ય આરોપી સાગર ફુલતરિયા સપડાયો છે. સીઆઈડી ક્રાઈમની ટીમે આ મુખ્ય આરોપીને દિલ્હીથી દબોચ્યો હતો અને મોરબી લાવીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મુખ્ય આરોપીના તા.1 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. આ મુખ્ય આરોપી સુરત મુંબઈ, દિલ્હી રોકાયો હતો અને તે જ જમીન ખરીદનાર હતો. તેમજ તેણે નાણાંકીય જવાબદારી ઉઠાવી હતી. જો કે તેના સહિત અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઈ છે.


સીઆઈડી ક્રાઈમની ટીમે હમણાં જ બે આરોપીની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા મહિલા શાંતાબેન પરમાર  છે જેના પર બોગસ દસ્તાવેજ કરી  ખોટી વારસાઈ એન્ટ્રી  થકી બોગસ દસ્તાવેજ કરી જમીન પોતાના નામે કરવી વેચાણ કરી હોવાનો આરોપ છે અને ફરિયાદમાં પણ તેનું નામ લખાયેલ છે આ ઉપરાંત  સી આઈ ડી એ ઝડપેલા  અન્ય આરોપીનું નામ  સાગર રબારી હોવાનું સામે આવ્યું છે સાગર રબારીએ બોગસ દસ્તાવેજ માટે તૈયાર કર્યા હોવાનું અને કાગળ તૈયાર કર્યા તેમજ ઓનલાઇન  બેંક એકાઉન્ટ ખોલાવી બેંકમાં વહીવટ કર્યા હોવાનું સામે આવ્યું હતું.
 

મોરબીના ચકચારી વજેપર જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ફુલતરિયા ઝડપાયો

મોરબી શહેરમાં વજેપર ગામની સર્વે નંબર 602 ની જમીનમાં મોટા પાયે કોભાંડ થયું હતું એક મહિલાને સાથે રાખી કેટલાક તત્વોએ ખોટા  દસ્તાવેજનો ઉપયોગ કરી  જમીનના મૂળ માલિકની વારસાઈમાં એન્ટ્રી કરાવી બોગસ વારસદાર બનાવી હતી અને તે જમીન બારોબાર તરઘરી ગામના સરપંચ સાગર ફૂલ તરીયાને વેચી દેવામાં આવી હતી જોકે આ ઘટનાની જાણ થતા પીડિત પરિવાર દ્વારા આ અંગે અલગ અલગ કચેરીમાં રજૂઆત કરી હતી પરંતુ જાણે તંત્રના બહેરા કાન સુધી તેની રજૂઆત  પહોચતી ન હોય તેમ તેઓની અરજી એક કચેરીથી બીજી કચેરીએ ટલ્લે ચઢતા અંતે તેઓ હાઈકોર્ટના શરણે જતા હાઈકોર્ટે એસપીને ફટકાર લગાવી 24 કલાકમાં ફરિયાદ નોધવા આદેશ કરતા તંત્ર દોડતું થયું અને અંતે પોલીસ ફરિયાદ નોધી હતી જેની તપાસ ડિવાય એસપી પી એ ઝાલાને સોપી હતી ડીવાયએસપી ઝાલાની તપાસ દરમિયાન કેટલાક આરોપીઓને  બચાવવા કેટલાક રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓએ દબાણ કર્યું હતું  પણ ઝાલા તપાસ બાબતે ઢીલ ન દાખવતા હોવાનું સામે આવ્યું હતું આ દરમિયાન નાટકીય ઢબે તપાસ ડીવાય એસપી વિરલ દલવાડી ને સોપી દેવાઈ હતી જોકે સ્થાનિક ધારાસભ્ય ના દબાણથી ફરી તપાસ ડીવાય એસપી ઝાલા ને સોપી હતી મહિનાઓ વીતવા છતાં આરોપીની ધરપકડ ન થતા પીડિત પરિવાર ડીજીપીને ફરિયાદ કરી  અને તપાસ એસ એમસી ને સોપવા માંગણી કરી હતી જોકે ડીજીપી એ આ તપાસ સી આઈડી ક્રાઈમને સોપી હતી તેઓ દ્વારા તપાસ શરુ કરી હતી અને અગાઉ એક મહિલા હેતલ ભોરણીયા તેમજ ભરત દેગામા, સાગર રબારી, શાંતાબેન બાદ હવે મુખ્ય આરોપી એવા તરઘરીના સરપંચ સાગર ફુલતરીયાની પણ સીઆઇડી દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી આર.એસ.પટેલે વિગતો આપતા જણાવ્યું કે આ આરોપીએ જમીન ખરીદી હતી. નાણાકીય જવાબદારી તેને ઉઠાવી હતી. આજે તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ આરોપી અગાઉ સુરત અને મુંબઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાગર ફૂલતરીયાએ અગાઉ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.